
PM મોદી માં અંબાના આશીર્વાદ લઈ બે દિવસીય ગુજરાત પ્રવાસની શરૂઆત કરશે, કેવડિયામાં ચાર કલાક રોકાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે બે દિવસની ગુજરાત મુલાકાતે આવશે. તેઓ 30 અને 31 ઓક્ટોબરે ગુજરાતમાં રહશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી શક્તિપીઠ અંબાજી ખાતે દર્શન કરવા જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય પ્રવાસને લઈને ગુજરાતમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની મુલાકાત દરમિયાન એક જાહેર સભાને પણ સંબોધિત કરશે અને પછી બીજા દિવસે એટલે કે 31 ઓક્ટોબરે એકતા દિવસ કાર્યક્રમમાં હાજર રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગયા વર્ષે એકતા દિવસે ગુજરાત આવ્યા હતા ત્યારે પણ મોરબીની ઘટના બાદ તેમણે એકતા દિવસમાં ભાગ લીધો હતો અને ત્યારબાદ મોરબીની મુલાકાત લીધી હતી.
અંબા માતાના આશીર્વાદ લેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે સવારે 9.30 કલાકે અમદાવાદ પહોંચશે. આ પછી પીએમ મોદી અમદાવાદથી અંબાજી માટે રવાના થશે અને લગભગ 10.15 વાગ્યે અંબાજી પહોંચશે. PM મોદી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અંબાજીના દર્શન કરવા પહોંચ્યા હતા. ત્યારબાદ તેણે ત્યાં યોજાયેલી ગબ્બર આરતીમાં ભાગ લીધો હતો. લગભગ અડધો કલાક અંબાજી મંદિરમાં રોકાયા બાદ પીએમ મોદી પોણા 11 વાગે ખેરાલુ પહોંચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 12 વાગ્યાની આસપાસ અહીં જનસભાને સંબોધશે. આ પછી પીએમ મોદી બપોરે 2 વાગે ગાંધીનગર પહોંચશે.
PM કેવડિયામાં ચાર કલાક રોકાશે
ગાંધીનગરના રાજભવન ખાતે રાત્રિ આરામ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા દિવસે સવારે 7.45 કલાકે કેવડિયા જવા રવાના થશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આયોજિત એકતા દિવસની ઉજવણીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધિત કરશે. પીએમ મોદી કેવડિયામાં તેમના રોકાણ દરમિયાન એકતા પરેડમાં હાજર રહેશે. PM મોદી કેવડિયામાં ચાર કલાક રોકાશે. તેઓ કેવડિયાથી 12 વાગ્યે પ્રસ્થાન કરશે. આ પછી પીએમ મોદી વડોદરાથી દિલ્હી જવા રવાના થશે. સંસદમાં મહિલા અનામત બિલ પસાર થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેમણે વડોદરામાં એક મોટી જાહેરસભાને સંબોધી હતી. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદીનું અમદાવાદ, બોડેલી અને વડોદરામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.