મોરબી બ્રિજ દુર્ઘટનાના અસરગ્રસ્તોને સરકારી ધારા ધોરણ મુજબ વળતર ચૂકવવા ઓરેવા કંપનીને આદેશ

ગુજરાત
ગુજરાત

મોરબી બ્રિજની દુર્ઘટનાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલને પક્ષકાર બનવાની હાઈકોર્ટે અંતે મંજુરી આપી છે. આજે હાઈકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન જયસુખ પટેલે વકિલ મારફતે જણાવ્યું હતું કે, “મોરબીની બ્રિજ  દુર્ઘટનામાં 134 લોકોના મોતનો અમને પણ અફસોસ છે આ બ્રિજના સંચાલન પાછળ અમારો કોઈ વેપારી ઈરાદો ન હતો.”

હાઈકોર્ટ જયસુખ પટેલની રજૂઆત માન્ય રાખી આ કેસમાં સાતમા પક્ષકાર બનાવવા મંજુરી આપી છે. સાથોસાથ મૃતકોને ઉંમર મુજબ સરકારી ધારાધોરણ મુજબ વળતર ચુકવવાનો ઓરેવા કંપનીને હુકમ કર્યો છે. ઉલ્લેખનિય છે કે મોરબી દુર્ઘટના મામલે ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કરાયું છે. આ ઉપરાંત પોલીસે જયસુખ પટેલ વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર પણ બહાર પાડ્યું છે.

ગુજરાત હાઈકોર્ટમાં થયેલી સુનાવણીમાં હાઈકોર્ટે એવું પણ નોંધ્યું હતું કે- ઓરેવા કંપની દ્વારા મૃતકોના વારસદારો અને ઘાયલોને વળતર ચુકવે તેની કોઈ અસર હાલમાં આ ઘટના સંદર્ભે વિવિધ એજન્સીઓ દ્વારા ચાલી રહેલી તપાસ ઉપર થશે નહીં. આ તપાસ યથાવત ચાલુ જ રહેશે. દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોના વારસદારો તથા ઘવાયેલા લોકોને વહેલામાં વહેલી તક વળતર ચુકવી આપવા પણ હાઈકોર્ટે હુકમ કર્યો છે. વળતર માટે સરકારે નક્કી કરેલ ધારાધોરણો અપનાવવાનું પણ જણાવ્યું છે.

આ સિવાય ગુજરાતમાં જોખમી બ્રિજના રિપેરીંગ બાબતે સરકારને કરેલા હુકમ અંગે આજે સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું કરી રાજ્યના 40 સામાન્ય ક્ષતિગ્રસ્ત તેમજ 23 વધુ ક્ષતિગ્રસ્ત બ્રિજ પૈકી 27નું રિપેરીંગ કામ પૂર્ણ થઈ ગયાનું તથા અન્ય 23 બ્રિજ રિપેરીંગ કામ ચાલી રહ્યાનું જણાવ્યું હતું. આ દરમ્યાન હાઈકોર્ટે મોરબી નગરપાલિકનો ઉધડો લીધો હતો. હાઇકોર્ટે કહ્યું કે, બ્રિજની સ્થિતિ ખરાબ છે એવી ખબર હોવા છતાં કેમ કોઈ પ્રકારના પગલાં લેવાયા ન હતા. આ અંગેની વધુ સુનાવણી આગામી દિવસે થશે.

મોરબીની મચ્છુ નદી પર આવેલા ઝૂલતા પુલનું રિનોવેશન ઓરેવા કંપની દ્વારા રૂપિયા 2 કરોડના ખર્ચે કરાયું હતું. જે બાદ 26 ઓક્ટોબરથી મોરબીનો ઝૂલતો પુલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો તથા 12થી 15 વર્ષની મજબૂતાઈની ગેરંટી આપવામાં આવી હતી. જો કે બ્રિજ ખુલ્લો મૂક્યાને 5 જ દિવસની અંદર તૂટી ગયો હતો અને 135 જેટલાં હતભાગીઓ કાળનો કોળિયો બની ગયા હતા. આ દુર્ઘટના બાદ કંપનીના એમડી જયસુખ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.