રાજકોટને વધુ એક ભેટ, માધાપર પાસે નવુ બસસ્ટેન્ડ બનશે, C.M રૂપાણીની જાહેરાત

ગુજરાત
ગુજરાત

રૂા.1ના ટોકન ભાવે 6800 ચોરસમીટર જમીનની ફાળવણી કરતી સરકાર, 8 પ્લેટફોર્મના બસસ્ટેન્ડમાં 300 ટ્રીપોનું સંચાલન થશે, એઇમ્સ, થ્રી લેયર બ્રીજ, રેસકોર્ષ અને હવે માધાપર ચોકડીએ બનતા નવા બસસ્ટેન્ડથી જામનગર રોડ ધમધમશે

આજે ઉતરાયણની પુર્વ સંધ્યાએ રાજયનાં મુખ્યમંત્રીએ રાજકોટને વધુ એક એસ.ટી. બસસ્ટેન્ડની ભેટ આપી છે અને આ નવા બસસ્ટેન્ડ માટે માધાપર ચોકડી પાસે 6800 ચો.મી. જમીન એસ.ટી. તંત્રને રૂા.1નાં ટોકન દરે ફાળવવાનો આજે મળેલી કેબીનેટની બેઠકમાં નિર્ણય કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રાજકોટ એસ.યી. વિભાગે કલેકટર તંત્ર પાસે નવા બસસ્ટેન્ડ માટે માધાપર ચોકડી પાસે જમીન ફાળવવા દરખાસ્ત કરી હતી.

જે દરમ્યાન આ જમીનનાં પ્રિમીયમ અંગે પ્રશ્ર્ન ઉભો થયો હતો. આથી આ જમીન ફાળવણીમાં થોડો વિલંબ થયો હતો. જો કે હવે રાજકોટનાં રહેવાસી એવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજરોજ ગાંધીનગરમાં મળેલી કેબીનેટ બેઠકમાં એસ.ટી.ને માધાપર ચોકડી પાસે 6800 ચો.મી. જમીન માત્ર રૂા.1નાં ટોકન દરે ફાળવવા નિર્ણય કરાયો છે. આથી હવે ટુંકમાંજ રાજકોટ એસ.ટી. વિભાગને આ જમીન મળવાથી શાસ્ત્રીમેદાનનાં હંગામી બસસ્ટેન્ડનું સ્થળાંતરનો માર્ગ મોકળો બનશે.

અત્રે ઉલ્લેખનીય છે કે માધાપર ચોકડી પાસે અંદાજે રૂા.2થી3 કરોડનાં ખર્ચે બનનારા નવા બસસ્ટેન્ડમાં 8 પ્લેટફોર્મ, મુસાફર વેઈટીંગ, એરીયા, શોપીંગ કોમ્પ્લેકસ, સ્ટોલ, કેન્ટીન, શૌચાલય, સ્વચ્છ પીવાના પાણી, ડ્રાઈવર/કંડકટર રેસ્ટ રૂમ વગેરે સવલતો ઉપલબ્ધ કરાવાશે તેમજ નવા બસસ્ટેશનમાં દૈનિક 300 જેટલી ટ્રીપોનું આવાગમન થશે કે જેનો અંદાજીત 4500 જેટલા મુસાફરો લાભ થશે.

વધુમાં આ બસસ્ટેશનના સંચાલનમાં આવવાથી શહેરમાં ટ્રાફીકની સમસ્યાનું નિરાકરણ થશે અને મુસાફરો ઓછા સમયમાં પોતાના ગંતવ્ય સમય સુધી પહોંચી શકશે.
સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, જુનાગઢ, પોરબંદર વિગેરે જીલ્લા માટે એ બસસ્ટેશન આશિર્વાદરૂપ સાબીત થશે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, વાહન વ્યવહાર મંત્રી અને રાજય કક્ષશના વાહનવ્યવહાર મંત્રીના સતત માર્ગદર્શન હેઠળ ગુજરાત એસ.ટી. નિગમ દૈનિક 34 લાખ કિલોમીટરના સંચાલન થકી 25 લાખ મુસાફરોને અસરકારક જાહેર પરિવહનની સેવા પુરી પાડે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.