ઓમિક્રોનના દર્દીને અન્ય કોવિડ પેશન્ટથી અલગ રાખવામા આવશે
જામનગરમાં કોરોનાનો ઓમિક્રોન વેરિઅન્ટ ધરાવતા દર્દીની જાણકારી મળતા ગુજરાત સરકારે તૈયારી શરૂ કરી દીધી છે. જે પ્રમાણે સરકારે નક્કી કર્યું છે કે ઓમિક્રોન વેરિઅન્ટ ડીટેક્ટ થયો હશે તે દર્દીને સામાન્ય લક્ષણો હોય તો પણ ફરજિયાત હોસ્પિટલમાં રાખવામાં આવશે અને તેમને અન્ય કોવિડ દર્દીઓની સાથે રાખવાને બદલે અલાયદા વોર્ડમાં અને શક્ય હશે તો અલગ હોસ્પિટલમાં રાખવામાં આવશે. સંક્રમિત દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકોને ફરજિયાત ક્વોરન્ટાઇન કરવામાં આવશે. તેમનું સ્થાનિક આરોગ્ય સ્ટાફ સરપ્રાઇઝ ચેકિંગ કરાશે જેથી તેઓ બહાર ન નીકળે અને જો કોઇ વ્યક્તિએ ક્વોરન્ટાઇન નિયમનો ભંગ કર્યો હશે તો એપિડેમિક એક્ટ હેઠળ તેને જેલ પણ થઇ શકે છે. આ તમામ લોકોના ચોથા અને આઠમા દિવસે આરટીપીસીઆર ટેસ્ટ થશે. આમ આવતીકાલથી રાજ્યમાં અલગ અલગ શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાના દર્દીઓ અચાનક વધી જાય તો કેવી રીતે કામ કરવું તે અંગે મોકડ્રીલ પણ યોજાવાની છે. તબીબી અને નર્સિંગના 1.33 લાખ સ્ટાફની ટ્રેઇનિંગ શરૂ થઇ ગઇ છે અને નિષ્ણાંતોની ટીમો દરેક જિલ્લામાં જઇને પરિસ્થિતિ વણસતી અટકે તે માટે કામ કરશે. આ ઉપરાંત આઇસીયુમાં કામ કરતાં ડોક્ટર્સ અને નર્સની પણ ટ્રેઇનિંગ થઇ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે એક સમીક્ષા બેઠક બોલાવી હતી અને ત્રીજા વેવને લઇને તમામ તૈયારી ત્વરિત પૂર્ણ કરી દેવાની સૂચના આપી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ બેઠકમાં હાજર રહ્યા હતા.