
અમદાવાદનાં નિકોલમાં ભત્રીજાએ કરી કાકાની હત્યા, છરીનાં ઘા ઝીંકી આરોપી ફરાર
અમદાવાદમાંથી હત્યાનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ભત્રીજાએ તેના કાકાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મિલકતના વિવાદમાં ભત્રીજાએ છરીના ઘા ઝીંકીને કાકાની હત્યા કરી દીધી છે. જો કે આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાયો છે.
ભત્રીજાએ કરી કાકાની હત્યા
પ્રાપ્ત વિગતો એવી છે કે અમદાવાદ શહેરનાં નિકોલ વિસ્તારમાં રહેતા ગોપાલ ઠાકોર એ ફરિયાદ દાખલ કરાવી છે કે તેઓ કારખાનામાં નોકરી કરે છે સવારે રોજિંદા નિયમ મુજબ તેઓ નોકરી પર ગયા હતા તે દરમિયાન તેમની દીકરીનો ફોન તેમના પર આવ્યો હતો અને કહ્યું હતું કે નરેન્દ્ર કાકા બાપા વજેસિંગને શરીરે ચપ્પાના ઘા મારીને તેમની રિક્ષામાં લઈ આવી આપણા ઘર પાસે નાખીને જતા રહેલ છે અને તેઓને ખૂબ જ લોહી નીકળે છે. જેથી ફરિયાદી તાત્કાલિક ઘરે પહોંચ્યા હતા જ્યાં તેમના પિતાના મોઢાના ભાગે, ગળાના ભાગે અને પેટના ભાગે ચપ્પાના ઘા માર્યા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે શારદાબેન હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા. જે અંગેની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યો હતો.
મૃતકને આરોપી સાથે અવાર નવાર ઘર આગળ આવેલ ખુલ્લી જગ્યા અને ચાર દુકાનોના ભાડાને લઇને બોલાચાલી ઝઘડો થતો હતો. જગ્યાનું ભાડું વધારવા અને ટેક્સનો સરખો ભાગ આપવા બાબતે ગઇ કાલ સાંજના સમયે પણ આરોપીએ મૃતક સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો. અને આજે ફરિયાદીના પિતા નિકોલ ગામ ગેટ પાસેથી ઘરે પરત આવી રહ્યા હતાં તે દરમિયાન આરોપીએ ધારદાર ચપ્પા વડે તેના પિતાના પીઠના ભાગે, ગળા, મોઢા અને છાતીના ભાગે ઘા મારીને રીક્ષામાં તેમના ઘરે પાસે નાંખીને રીક્ષા લઇને ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર મામલે નિકોલ પોલીસએ હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.