મોરબી જિલ્લામાં 24 કલાકમાં 14 ઈંચ જેટલો વરસાદ નોંધાયો, મચ્છુ -2 ડેમના 18 દરવાજા ખોલવામાં આવ્યા
મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 2થી લઈને 14 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં ખાસ કરીને વાંકાનેર પંથકમાં તથા મોરબીના મચ્છુ ડેમના ખેંચમેંટ વિસ્તાર અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે મચ્છુ-2 ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે. ત્યારે મોરબી સિંચાઈ વિભાગના અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી પ્રમાણે આજે સવારે 9:00 વાગ્યાથી મચ્છુ -2 ડેમના 18 દરવાજાને 15 ફૂટ સુધી અને 10 દરવાજા પાંચ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને હાલમાં મચ્છુ-2 ડેમમાંથી પાણીના જથ્થાને નદીમાં છોડવામાં આવી રહ્યો છે. જેથી કરીને મોરબી શહેરમાંથી પસાર થતી મચ્છુ નદી પણ બે કાંઠે વહેતી હોય તેવાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે.
આ નદીમાં છોડવામાં આવતું પાણી આગળ જતાં મચ્છુ-3 ડેમમાં જતું હોવાથી મચ્છુ-3 ડેમના પણ 15 દરવાજા 15 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને પાણીના જથ્થાને છોડવામાં આવ્યો છે. ત્યારે મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના નીચેના વિસ્તારમાં આવતા ગ્રામ્ય વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા.