ધોરણ 10માં માસ પ્રમોશન વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિકલ્પ નથી, MCQ બેઝ અથવા શાળા કક્ષાએ પરીક્ષા લેવાઈ શકે: બોર્ડમાં ચર્ચા

ગુજરાત
ગુજરાત 88

કોરોના મહામારીને કારણે ધોરણ 1થી9 અને 11ને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. પરંતુ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે. વાલી મંડળની માંગ છે કે, સંક્રમણની સ્થિતિને જોતા ધોરણ 10માં પણ માસ પ્રમોશન આપવામાં આવે પરંતુ શિક્ષણ વિભાગ આને વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે યોગ્ય વિકલ્પ નથી માની રહ્યું. સાથે એવી પણ ચર્ચા ચાલે છે કે, વિદ્યાર્થીઓની પરીક્ષા પદ્ધતિમાં ફેરકાર કરી MCQ બેઝ અથવા શાળા કક્ષાએ પરીક્ષા લેવાઈ શકે છે.

શિક્ષણ વિભાગના જણાવ્યાં અનુસાર, હાલમાં જે વિદ્યાર્થીઓ ધોરણ 10માં અભ્યાસ કરી રહ્યા છે, તેઓ ગત વર્ષે આરટીઈ એક્ટ અંતર્ગત ધોરણ 8 અને 9માં નાપાસ નહીં કરવાની પોલીસી સાથે માસ પ્રમોશન મેળવીને આવ્યા છે. એટલે હવે ધોરણ 10ના વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન થવુ જરૂરી છે. જો આ વર્ષે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે તો ભવિષ્યમાં વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીઓ પડી શકે છે. ધોરણ 10માં માસ પ્રમોશન આપવાની જગ્યાએ પરીક્ષાની પદ્ધતિમાં બદલાવ કરી પરીક્ષા લેવાવી જોઈએ. બોર્ડ દ્વારા MCQ બેઝ પરીક્ષા અથવા તો શાળા કક્ષાએ પરીક્ષા લેવાય તેવી ચર્ચા હાલમાં ચાલી રહી છે.

ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની માગણી સાથે વાલી મંડળના પ્રેસિડેન્ટ નરેશ શાહે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ધોરણ 10ના 12ના અંદાજે 13 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ભારતમાં કેટલાય રાજ્યોએ પરીક્ષા સસ્પેન્ડ અથવા તો મોકૂફ રાખી છે. આ સ્થિતિને જોઈ રાજ્યભરમાંથી વાલીઓએ અમારો સંપર્ક કર્યો અને પરીક્ષા રદ થાય તે માટેની ચર્ચા થઇ છે. રાજ્ય સરકારે આ મુદ્દે કોઈ નિર્ણય ન લેતા હવે અમારે ગુજરાત હાઇકોર્ટના શરણે થવું પડ્યું છે. ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી પિટિશનમાં રજૂઆત કરવામાં આવી છે કે દેશના 7 રાજ્યોએ ધોરણ 10 ની પરીક્ષા રદ કરી છે. જેમાં હરિયાણા, ઉત્તરાખંડ, પંજાબ, નવી દિલ્હી, તામિલનાડુ, જમ્મુ અને કાશ્મીર અને, મહારાષ્ટ્ર જેવા રાજ્યો છે.

આ ઉપરાંત CBSC અને ICSC એ પણ કોરોનાની પરિસ્થિતિને જોતા પરીક્ષા રદ કરી છે. ગુજરાતમાં કોરોનાને નાથવા ઘણા પ્રયાસો કરવામાં આવ્યા છે. તેમ છતાં કેસ ઘણા વધી રહ્યા છે. પિટિશનરે અરજીમાં રજૂઆત કરી છે કે, જો ધોરણ 10 ની બોર્ડ પરીક્ષા યોજાશે તો પરીક્ષાના દિવસે માત્ર વિદ્યાર્થીઓ જ નહિ પણ શિક્ષકો, વાલીઓ પણ શાળાએ આવશે અને શાળાઓ અને તેની આસપાસ ભીડ ભેગી થશે. એટલે હિતાવહ છે કે ધોરણ 10 ની પરીક્ષાને રદ કરવામાં આવે. CBSC દ્વારા વિદ્યાર્થીઓના પાછલા પરફોર્મન્સના આધારે પરિણામ જાહેર કરવામાં આવશે તેઓ નિર્ણય લેવામાં આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.