સ્ટૂડન્ટ વિઝા પર ફિનલેન્ડ ગયેલા અનેક ગુજરાતીઓ પેટ ભરવા સંડાસ સાફ કરવા મજબૂર

ગુજરાત
ગુજરાત

અમદાવાદ, સ્ટૂડન્ટ વિઝા પર વિદેશ જતાં મોટાભાગના સ્ટૂડન્ટ્સનો ગોલ ત્યાં ભણવા કરતા વધારે જોબ કરીને પૈસા કમાવવાનો અને બને તો વિદેશમાં જ કાયમ માટે સેટલ થઈ જવાનો હોય છે. દર વર્ષે અમેરિકા, કેનેડા કે પછી ઓસ્ટ્રેલિયા જતાં સ્ટૂડન્ટ્સમાંથી ભાગ્યે જ કોઈ ભણીને પાછું આવે છે. જોકે, એજન્ટની વાતોમાં આવીને ૨૦ લાખ રૂપિયાનો ધૂમાડો કરી ફિનલેન્ડ પહોંચી ગયેલા ગુજરાતના ૨૦૦ જેટલા સ્ટૂડન્ટ્સ સાથે કંઈક અલગ જ થયું છે. મોટી ઈકોનોમી ધરાવતા ડેવલપ્ડ દેશોમાં સ્ટૂડન્ટ વિઝા પર ગયેલા લોકોને પણ વહેલા કે મોડા નોકરી મળી જ જતી હોય છે, તેની સાથે સેલેરી પણ એટલી મળી રહે છે કે રહેવા-જમવાનો ખર્ચો આરામથી નીકળી જાય.

એટલું જ નહીં, ઘણા સ્ટૂડન્ટ્સ તો વધારે મહેનત કરીને પોતાની એજ્યુકેશન લોન પૂરી કરવાની સાથે ઘરે પૈસા પણ મોકલતા હોય છે, પરંતુ ફિનલેન્ડમાં જઈને બરાબરના ફસાયેલા ગુજરાતી સ્ટૂડન્ટ્સ ખર્ચા કાઢવા ઘરેથી રૂપિયા મગાવવા મજબૂર છે. એક કન્સલ્ટન્સી ફર્મના ભરોસે ઓક્ટોબર ૨૦૨૨માં એક યુવક ફિનલેન્ડ પહોંચ્યો હતો. એજન્ટે આ યુવકને એવો વાયદો કર્યો હતો કે ફિનલેન્ડમાં લેન્ડ થશો તેના થોડા સમયમાં જ આરામથી નોકરી મળી જશે,

અને તેમાં એટલું તો આરામથી કમાઈ લેવાશે કે રહેવા-જમવાનો ખર્ચ કાઢવાની સાથે સારી એવી બચત પણ થઈ જશે. જોકે, આ યુવક ફિનલેન્ડ પહોંચ્યો ત્યારે તેને ખબર પડી કે તેની સાથે મોટું ફ્રોડ થઈ ગયું છે. એજન્ટ દ્વારા જે ગુજરાતીઓને ફિનલેન્ડ મોકલવામાં આવ્યા છે તેમાંના મોટાભાગના તુર્કુ સિટીમાં હાલ છે, જે ફિનલેન્ડનું બીજું સૌથી મોટું શહેર પણ છે. જોકે, અહીં છેલ્લા છએક મહિનાથી આવેલા લોકોને હજુય કોઈ નોકરી નથી મળી. જે કામ મળે છે તે દિવસનું માંડ દોઢ કલાકનું જ કામ હોય છે, જેના ૧૩-૧૪ યુરો મળે છે અને તેમાંય ટેક્સ કપાય છે. ભણવા માટે વિદેશ જતાં સ્ટૂડન્ટ્સને શરૂઆતમાં રેસ્ટોરાં, સ્ટોર કે પછી વેરહાઉસમાં નોકરી કરવી પડતી હોય છે.

જેના માટે કોઈ સ્ટૂડન્ટ કયારેય શરમ પણ નથી રાખતા, પરંતુ તેના બદલામાં તેમને સારી એવી કમાણી પણ થઈ જતી હોય છે. જોકે, ફિનલેન્ડની સ્થિતિ અલગ છે, અહીં જે ગુજરાતી સ્ટૂડન્ટ્સ હાલ ભણે છે તેમનું કહેવું છે કે અમેરિકા, કેનેડા કે ઓસ્ટ્રેલિયાની જેમ ફિનલેન્ડમાં એવી કોઈ નોકરી છે જ નહીં કે જે સરળતાથી મળી જાય અને તેમાં સારી કમાણી પણ હોય. અહીં સ્ટૂડન્ટ્સને રોજનું જે દોઢ કલાકનું કામ મળે છે તેમાં તેમની પાસે એક ક્રુઝ શિપમાં ટોઈલેટ સાફ કરાવવાથી લઈને ક્લિનિંગના બીજા કામ કરાવાય છે, તેના સિવાય બીજું કંઈ નથી હોતું. તેમની શિફ્ટ પણ માત્ર એકથી દોઢ કલાકની જ હોય છે, અને પછી આખો દિવસ કોઈ કામ નથી મળતું. ફિનલેન્ડમાં રહેવાના ખર્ચાની વાત કરીએ તો અહીં મકાનનું ભાડું ૩૦૦ યુરો જેટલું હોય છે, અને ૧૦૦ યુરો મેઈન્ટેનન્સના અલગથી આપવા પડે છે, અને જમવાનો ખર્ચો ૧૦૦ યુરો જેટલો થાય છે, અને તેમાંય યુનિવર્સિટીમાં ભણવાની વર્ષની ૧૧,૫૦૦ યુરો ફી, મોબાઈલનો ખર્ચો અને ટ્રાન્સપોર્ટેશન ચાર્જ અલગ હોય છે. જો રહેવા-જમવાના જ ખર્ચાની વાત કરીએ તો તે ૫૦૦ યુરોની આસપાસ થાય છે.

જોકે, ટોઈલેટ સાફ કરવાનું કામ કરીને આ સ્ટૂડન્ટ્સ મહિનાના માત્ર ૪૫૦ યુરોની આસપાસ કમાઈ શકે છે. વળી, આ કામ પણ એવું છે કે તેમાં તેમને કશુંય નવું શીખવા નથી મળવાનું અને તેના આધારે તેમને ફયૂચરમાં કોઈ સારી જોબ મળવાના ચાન્સ પણ નથી. જોકે, બીજી કોઈ નોકરી જ ના હોવાના કારણે તેઓ છેલ્લા છએક મહિનાથી ટોઈલેટ સાફ કરવા માટે મજબૂર છે. ફિનલેન્ડમાં ગયેલા ગુજરાતીઓને લેંગ્વેજનો પણ ખૂબ જ પ્રોબ્લેમ થાય છે, અહીં તેમને અમુક જોબ તો એટલા માટે નથી મળી શકતી કારણકે તેમને લોકલ લેંગ્વેજ નથી આવડતી. તુર્કુમાં અમુક ફેક્ટરીઓ આવેલી છે, જ્યાં લેબર વર્ક પણ લેંગ્વેજ પ્રોબ્લેમને કારણે ગુજરાતી સ્ટૂડન્ટ્સને નથી મળી રહ્યું. એટલું જ નહીં, સ્ટૂડન્ટ્સનું ત્યાં સુધી કહેવું છે કે તુર્કુ તો ઠીક, ફિનલેન્ડના કેપિટલ સિટી હેલસિંકીમાં પણ આવી જ હાલત છે,

જે અમુક ગુજરાતી સ્ટૂડન્ટ્સ ત્યાં રહે છે તે પણ હાલ નોકરી માટે ફાંફા મારી રહ્યા છે. ઢંગની જોબ ના હોવાના કારણે તેમજ ફયુચરમાં કામ આવી શકે તેવો કોઈ અનુભવ ના હોવાથી આ સ્ટૂડન્ટ્સને ભણવાનું પૂરૂં થયા બાદ પીઆર મળશે કે કેમ તે પણ ખબર નથી. અધૂરામાં પૂરૂં છેલ્લા કેટલાક મહિનાથી ફિનલેન્ડમાં મોંઘવારી જબરજસ્ત વધી છે, અને જોબ માર્કેટ સાવ ડાઉન છે. તેવામાં સારા ભવિષ્યની આશા સાથે ફિનલેન્ડ પહોંચેલા ગુજરાતી સ્ટૂડન્ટ્સની હાલત જાએ તો કહાં જાએ જેવી થઈ ગઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.