લ્યો બોલો.. 500 રૂપિયા જેટલી સામાન્ય રકમ બાબતે આધેડને પથ્થરના ઘા મારી હત્યા કરાઈ
હળવદના મેરુપર ગામે સામાન્ય બાબતે તકરાર બાદ એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. હળવદના મેરૂપર ગામની સીમમાં વાડીએ રહી મજૂરી કામ કરતા દેવલાભાઈ ચૌહાણ નામના આધેડની પથ્થરના ઘા મારીને હત્યા કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ નાનકાભાઈ દેવલાભાઈ ચૌહાણ કે જેઓ મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના રહેવાસી હોઈ અને હાલ તેઓ મેરૂપર ગામની સીમમાં આવેલી યોગેશભાઈ પટેલની વાડીએ રહી ખેત મજૂરી કરતા હતા. તેમનું મોટરસાઇકલ આરોપી છીતુંભાઈ જુબટીયાભાઈના મોટરસાઇકલ સાથે અથડાઈ જતા આરોપીએ નુકસાનીના 500 રૂપિયા આપવા માંગણી કરી હતી. જોકે તેમણે પૈસા નહીં આપતા મનદુઃખ રાખી ત્રણ આરોપીઓ ભીખલીયા લગસિંહ કિકરિયા, ચંદુ જુબટીયાભાઈ અને છીતું જુબટીયાભાઈએ ફરિયાદી નાનકા ભાઈની પત્ની કાંતાબેન અને પિતા દેવલાભાઈ સાથે બોલાચાલી કરી છુટ્ટા પથ્થરોના ઘા મારતા તેમનાની પત્નીને પગના ભાગે ઇજાઓ થઈ હતી જ્યારે તેમના પિતાને મોઢા તેમજ કપાળના ભાગે અને પીઠના ભાગે પથ્થરો લાગતા ગંભીર ઇજાઓ થતા મોત થયું હતું. હળવદ પોલીસે ત્રણ આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ 302, 337, 114 મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.