કિરણ પટેલે કાશ્મીરના તંત્રને છેતરવા માટે માત્ર ૧૦૦ ખર્ચ્યા

ગુજરાત
ગુજરાત

અમદાવાદ, શહેરના ઘોડાસર વિસ્તારમાં રહેતા કિરણ પટેલ કે જેણે પોતાની ઓળખ પીએમઓના ટોપ અધિકારી તરીકે આપી હતી. બાદમાં જમ્મુ-કાશ્મીરમાં ઝેડ પ્લસ સુરક્ષા મેળવી હતી. આખરે તેની પોલ ખૂલી ગઈ હતી અને કાશ્મીર પોલીસે તેની ધરપકડ કરી હતી. તેણે કાશ્મીરના સમગ્ર વહીવટી તંત્રને છેતરવા માટે માત્ર રુપિયા ૧૦૦નો ખર્ચ કર્યો હતો. આરોપી કિરણ પટેલે મણિનગરમાં આવેલી પ્રિન્ટિંગ પ્રેસમાંથી માત્ર ૧૦૦ રુપિયામાં વિઝિટિંગ કાર્ડ મેળવ્યા હતા. આ વિઝિટિંગ કાર્ડમાં તેણે પોતાની ઓળખ પીએમઓના એડિશનલ ડિરેક્ટર તરીકે આપી હતી.

આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા એક સૂત્રએ જણાવ્યું કે, ગયા ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં શ્રીનગરમાં ચાર બ્યુરોકેટ્સ, ભાજપના કેટલાંક સિનિયર નેતાઓ અને પોલીસ અધિકારીઓ સાથેની છેલ્લી મુલાકાતમાં આ વિઝિટિંગ કાર્ડનો ઉપયોગ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, મુલાકાત બાદ આરોપી કિરણ પટેલ આ વિઝિટિંગ કાર્ડ પરત લઈ લેતો હતો અને ફરીથી તેનો ઉપયોગ કરતો હતો. કિરણ પટેલ અને તેના બે સાથીદારો અમિત પંડયા તથા જય સીતાપરાએ શ્રીનગરના એક વરિષ્ઠ પોલીસ અધિકારી સહિત વિવિધ અધિકારીઓને ફોન કર્યો હતો. પોતાના અને તેના બે સાગરીતો માટે એક હોટલ, ઝેડ પ્લસ સુરક્ષા અને બુલેટપ્રૂફ વાહનોની વ્યવસ્થા માટે તેણે આ ફોન કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ, આરોપી કિરણ પટેલે પોતાની ધરપકડ પહેલાં શ્રીનગરમાં તેના એસ્કોર્ટ સાથે મોબાઈલ સિગ્નલ જામર ન આપવા બદલ એક વરિષ્ઠ પોલીસ અધિકારીને ખખડાવ્યા હતા. ગુજરાત પોલીસના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, કિરણ પટેલ, પંડયા અને સીતાપરાએ વિવિધ વરિષ્ઠ નેતાઓ અને સેવાનિવૃત સરકારી અધિકારીઓને કાશ્મીરમાં વિવિધ પ્લોટના સપના બતાવ્યા હતા. જે રીતે કિરણ પટેલ વર્તી રહ્યો હતો એ જોતા એવું લાગી રહ્યું છે કે તેને કેટલાંક મોટા માથાઓનું સમર્થન હતું.

નહીં તો તે સોશિયલ મીડિયા પર પીએમઓના અધિકારી તરીકે પોસ્ટ કરવાનું ટાળ્યું હોત. ઝેડ પ્લસ સિકયુરિટીનો દેખાડો કરવો, કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં ફરવાનું અને સુરક્ષાકર્મીઓ સાથે વિડીયો તથા ફોટોગ્રાફ્સ પોસ્ટ કરવાથી તેની સામે શંકા ઊભી થઈ હતી. જે બાદ તે ઝડપાયો હતો, એવું સૂત્રોએ જણાવ્યું હતું. કિરણ પટેલની સોશિયલ મીડિયા પોસ્ટે પણ તેને કેન્દ્ર સરકારની સાથે એક રચનાત્મક સલાહકાર તરીકે દર્શાવી હતી. સૂત્રોએ એવું પણ જણાવ્યું કે, જ્યારે શ્રીનગર પોલીસે ગઈ ૨ માર્ચના રોજ હોટલ લલિતમાંથી કિરણ પટેલને ઝડપ્યો હતો. એ સમયે તેની સાથે પંડયા અને સીતાપરા પણ હતા. કાશ્મીરની નિશાત પોલીસે આ મામલે આરોપી કિરણ પટેલ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.