
ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો કરતા વધુ ત્રણ રાફેલ વિમાન જામનગર આવી પહોંચ્યા
ગત મોડી સાંજે ફ્રાન્સથી જામનગર આવી પહોંચતા ત્રણ રાફેલ વિમાન: 7 હજાર કિલોમીટરનું અંતર નોનસ્ટોપ પૂર્ણ કરી વિમાને જામનગર એરબેઝ પર કર્યુ લેન્ડીંગ: રાફેલ વિમાનના આગમનથી જામનગર એરફોર્સ બેડામાં ખુશીનો માહોલ
ભારત સરકાર દ્વારા ફ્રાન્સ સાથે ચાર વર્ષ પૂર્વે રૂા.59,000 કરોડના કરાર કરી 36 રાફેલ વિમાનો ખરીદવા અંગે સમજૂતી કરવામાં આવી હતી. આ સમજૂતી હેઠળ 8 વિમાનો ભારતમાં આવી પહોંચ્યા બાદ વધુ ત્રણ વિમાનો ગઇકાલે જામનગર એરફોર્સના એરબેઝ પર આવી પહોંચ્યા હતા. ભારતીય એરફોર્સમાં સામેલ થવા માટે વધુ ત્રણ રાફેલ વિમાનો ફ્રાન્સથી ઉંડાન ભરી 7 હજાર કિલોમીટરનું અંતર કાપી ગત મોડી સાંજે જામનગર એરફોર્સ પર આવી પહોંચ્યા હતા. વધુ ત્રણ રાફેલ વિમાનો ભારતીય એરફોર્સમાં જોડાતા ભારતીય એરફોર્સની તાકાતમાં વધારો થયો છે. આ અગાઉ ફ્રાન્સથી 8 વિમાનો ભારતમાં આવી પહોંચ્યા હતા.
ભારત સરકારે કરોડો રૂપિયાના ફ્રાન્સ સાથે કરેલા કરાર મુજબ રાફેલનો પ્રથમ જથ્થો 29 જુલાઇ 2020ના રોજ આવી પહોંચ્યો હતો. જેમાં કુલ પાંચ રાફેલ લડાયક વિમાનો સામેલ હતા ત્યારબાદ બીજો જથ્થો 3 નવેમ્બર 2020ના ભારત આવી પહોંચ્યો હતો. જયારે ગઇકાલે વધુ 3 વિમાનો ફ્રાન્સથી જામનગર આવી પહોંચતા કરારમાં નક્કી થયા મુજબ 36 રાફેલ ફાઇટર વિમાનો પૈકી 11 વિમાનો ભારતીય એરફોર્સમાં સામેલ થઇ ચુકયા છે.ફ્રાન્સ સ્થિત ભારતીય દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ત્રણ રાફેલ વિમાનો ભારત માટે રવાના થઇ ચુકયા છે. જેને યુ.એ.ઇ.નું મલ્ટી રોલ ટેન્કર ર્ટાન્સપોર્ટ (એમઆરઆઇટી)રસ્તામાં ત્રણ રફાલ વિમાનોને ઇંધણ પુરૂ પાડયું હતું. તેમજ ત્રણ રાફેલ ફાઇટર વિમાનો ફ્રાન્સથી ઉડાન ભર્યા બાદ 7,000 કિ.મી.નું અંતર નોનસ્ટોપ કાપીને જામનગર એરબેઝ પર આવી પહોંચ્યા હતા.
જામનગર એરફોર્સ એરબેઝ પર આ પૂર્વે રાફેલ વિમાનનો પ્રથમ જથ્થો આવી પહોંચવાનો હતો પણ કોઇ પણ કારણોસર આ જથ્થો જામનગર એરબેઝ પર આવવાના બદલે અંબાલા એરબેઝ પર મોકલવામાં આવ્યો હતો. જયારે ગત સાંજે રાફેલ વિમાનનો પ્રથમ જથ્થો જામનગર એરબેઝ પર આવી પહોંચતા એરફોર્સના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમને આવકારવામાં આવ્યો હતો. અતિ આધુનિક ટેકનોલોજીથી સજજ લડાયક વિમાન રાફેલ જામનગર એરબેઝ પર આવી પહોંચતા જામનગર એરફોર્સ બેડામાં આનંદની લાગણી વ્યાપી ગઇ હતી અને ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો થતા જામનગરવાસીઓ પણ ગૌરવ અનુભવી રહ્યા હતા.