ગાંધીનગરમાં વાયરલ બિમારીના કારણે સિવિલમાં દર્દીઓનો વધારો
છેલ્લા ઘણા દિવસોથી બિનઆરોગ્યપ્રદ ઋતુ ચાલી રહી છે. મચ્છરજન્ય અને વાહકજન્ય બિમારીઓના કેસ સતત વધી રહ્યા છે. ખાસ કરીને ડેન્ગ્યુ, મેલેરિયા તથા ચિકનગુનીયા ઉપરાંત અન્ય વાયરલ તાવના કેસ વધ્યા છે. ગ્રામ્ય કરતા શહેરમાં દર્દીઓનો વધારો થઇ રહ્યો છે. તેમાં પણ બાળકોમાં વાયરલ બિમારીઓ ઝડપથી ફેલાઇ રહી છે ઘરમાં એક સભ્યને તાવ-શરદી થાય તો તેનો ચેપ ઘરના અન્ય સભ્યોમાં પણ ઝડપથી ફેલાય છે.વધતી જતી બિમારીઓની સીધી અસર સિવિલમાં જોવા મળી રહી છે.
સિવિલ ઉપરાંત અન્ય હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે. સામાન્યરીતે વર્ષાઋતુને બિનઆરોગ્યપ્રદ ઋતુ જ કહેવામાં આવે છે. ચોમાસાની ભેજવાળી આબોહવામાં નિષ્ક્રિય થયેલા ઘણા વાયરસ સક્રિય થતા હોય છે મેડિસીન ઓપીડીમાં જ રોજના ૯૦૦ દર્દીઓ સારવાર અર્થે આવે છે. તો બીજીબાજુ મેલેરિયા, ડેન્ગ્યુ તથા ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય બિમારીના કેસ પણ વરસાદની આ સિઝનમાં જોવા મળી રહ્યા છે. જીવલેણ ડેન્ગ્યુનો ફફડાટ વધ્યો છે.
ડેન્ગ્યુમાં પ્લેટલેટ ડાઉન થઇ જતા હોવાને કારણે દર્દીને દાખલ કરીને સારવાર આપવાની ફરજ પડી રહી છે. તેમાં પણ ખાસ કરીને બાળદર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે. જેનાથી પિડીયાટ્રીક વોર્ડ પણ ભરાઇ ગયો છે. સાથે સાથે કમળો, ટાઇફોઇડ, કોલેરા જેવા પાણીજન્ય રોગના દર્દીઓ પણ વર્ષાઋતુમાં ગટરના પાણી મિક્સ થઇ જવાને કારણે પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે હાલ શ્રાધ્ધના દિવસોમાં ગરમી પણ પડતી હોવાને કારણે વાતાવરણ બદલાવાથી વાયરલ તાવના કેસ ખાસ સામે આવતા હોય છે. આયુર્વેદની દ્રષ્ટીએ પિત્તને લગતી બિમારીઓ શ્રાધ્ધના આ ગરમીના દિવસોમાં ખાસ જોવા મળે છે.ભાદરવામાં પડતા તડકાને કારણે આ મહિનાને તાવનો મહિનો પણ કહેવામાં આવે છે.
ગાંધીનગરના દવાખાનાઓમાં રહેતી ભીડને જોઇને તે વાત સાચી હોવાના પુરાવા પણ મળે છે. ત્યારે આ બિનઆરોગ્યપ્રદ ઋતુની સીધી અસર સિવિલ હોસ્પિટલ ઉપર પણ જોવા મળી રહી છે. સિવિલમાં દરરોજ અઢી હજાર જેટલા કેસ નિકળે છે ત્યારે હાલ ૬૦૦ બેડની હોસ્પિટલ બિલ્ડીંગ અને જુની સિવિલ હોસ્પિટલ બન્ને જગ્યાએ મળીને કુલ ૮૨૮ જેટલા દર્દીઓને દાખલ કરીને સારવાર આપવાની ફરજ પડી રહી છે.જે પૈકી ૨૨૦થી વધુ દર્દીઓ મેડિસીન ડિપાર્ટમેન્ટના હોવાનું સામે આવી રહ્યું છે.
Tags Civil Gandhinagar viral