
સુરતમાં ઓનલાઇન છેતરપિંડીના કિસ્સાઓમાં વધારો ઝીંગો પે નામની કંપની ખોલી કરોડો રૂપિયાની ઓનલાઇન છેતરપિંડી
સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. જેમાં ફરિયાદી દ્વારા આપવામાં આવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યો હતો કે, તેમની સાથે ઓનલાઇન છેતરપિંડીની ઘટના બની છે.
કેટલાક કિસ્સામાં છેતરપિંડીથી તેમની પાસેથી યુએસડીટી લઈને તેના રૂપિયા ચૂકવ્યા નથી. તેથી આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, ૧૫ માર્ચ ૨૦૨૩થી ૮ એપ્રિલ ૨૦૨૩ દરમિયાન હસન નામના વ્યક્તિનો ફોન તેમના પર આવતો હતો અને આરોપીએ ફરિયાદી પાસેથી USDTના બદલામાં પૈસા આપવાનું જણાવ્યું હતું. તેથી ફરિયાદીએ આરોપીને ટુકડે ટુકડે ૮ એપ્રિલ ૨૦૨૩ સુધીમાં ૨,૪૦,૨૨૨ USDT ટ્રાન્સફર કર્યા હતા.
ત્યારબાદ આરોપીઓએ કોઈ સોફ્ટવેરની મદદથી એક જ સ્ક્રિનશોટ બનાવ્યો હતો અને ફરિયાદીના ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા હોવાનું તેમને જણાવ્યુ હતુ. પરંતુ આરોપીઓએ ફરિયાદીને ૨,૪૦,૨૨૨ USDTના બદલામાં એક પણ રૂપિયો ચૂકવ્યો ન હતો અને આ મામલે ફરિયાદી સાથે આરોપીઓએ ૧.૯૬ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી.
આ ગુનાની ટેકનીકલ સર્વેલન્સ આધારે તપાસ કરતા સામે આવ્યું હતું કે, સુબ્રતા દેય સરકાર, MTL બાયદુલ હારુસ, નૂર આલમ, મિયા શકીલ ખાન આ તમામે સાથે મળીને ઝીંગો પે ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની એક કંપની ઉભી કરી હતી.
આ સમગ્ર મામલે સાઇબર ક્રાઇમ દ્વારા પશ્ચિમ બંગાળમાં રહેતી સુબ્રતા દેય સરકારની અટકાયત કરી સાત દિવસના ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ મેળવી તેને સુરત લાવવામાં આવી છે. સુરત નામદાર કોર્ટમાં રજૂ કરી તેના દસ દિવસના રિમાન્ડ પોલીસ દ્વારા મેળવવામાં આવ્યા છે અને આગામી દિવસમાં આરોપીની પૂછપરછ કરવામાં આવશે કે તેને આ પ્રકારે કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે.