વલસાડમાં કુહાડીના ઘા ઝીંકી પિતાએ પુત્રને પતાવી દીધો
વલસાડ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વલસાડના પારડીમાં પિતાએ પુત્રની હત્યા કરી નાખી છે. પુત્રએ પિતા પાસે ઘર બનાવવા પૈસા માંગતા પિતા-પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન પિતાએ આવેશમાં આવી જઈ પુત્રને મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસે આરોપી પિતાની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, વલસાડના પારડીના રોહિણામાં પિતાએ પુત્રની હત્યા કરતા ચકચાર મચી ગઇ છે. ઘર બનાવવા માટે પૈસા માંગતા પિતા-પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદ પિતાએ કુહાડીના ઘા ઝીંકી પુત્રની હત્યા કરી દીધી હતી. આ અંગેની જાણ પોલીસને થતાં પારડી પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ આરોપી પિતાની અટકાયત કરી હતી.
પુત્રની હત્યા કર્યા બાદ પિતાની તબિયત લથડી છે. તેમને વલસાડ સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ મામલે પારડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હાલ તો પિતા પુત્ર વચ્ચે થયેલા ઝઘડાનું કારણ પૈસા માનવામાં આવી રહ્યું છે. પારડી પોલીસ દ્વારા આજુબાજુમાં રહેતા લોકોની અને પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત માર્ચ મહિનામાં તાપી જિલ્લામાં પિતાએ પુત્રની હત્યા કરી નાખી હોવાનો બનાવ સામે આવ્યો હતો. પુત્ર નોકરી કે કામધંધો કરતો નહોતો જેને લઈ બાપ દીકરા વચ્ચે અવારનવાર ઝઘડો થયા કરતો હતો. પિતાએ નજીવી બાબતે ઝઘડો થતાં આવેશમાં આવી જઈ પુત્રને મોતને ઘાટ ઉતાર્યો હતો.
સોનગઢના સાતકાશી ગામે ટાંકી ફળિયામાં રહેતા મનુભાઈ ફૂલસિંગભાઈ વસવા પુત્ર સાથે ઉગ્ર બોલાચાલી થતાં ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે પુત્રને ગળા, માથા, છાતી તેમજ હાથના ભાગે કુહાડીના ઘા મારી હત્યા કરી નાખી હતી.