રાજ્યમાં 9 મીટરની ઉંચાઇ ધરાવતી બિલ્ડીંગમાં ચાલતી સ્કૂલોએ ફાયર સેફટી NOC લેવાનું રહેશે નહી

ગુજરાત
ગુજરાત 67

આવી શૈક્ષણિક સંસ્થાઓ સ્વપ્રમાણિત-સેલ્ફ એટેસ્ટેડ ફાયર NOC કરી શકશે : મુખ્યમંત્રીએ લીધો નિર્ણય

શહેરી વિકાસ સત્તા મંડળ વિસ્તારો માટે ફાયર NOC જે તે મહાનગર પાલિકાના ચીફ ફાયર ઓફિસર આપી શકશે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં ફાયર સેફ્ટી એનઓસી અંગે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. જે મુજબ 9 મીટરથી ઓછી ઉંચાઇ ધરાવતા હોય અને બેઇઝમેન્ટ ન હોય તેવા મકાનોમાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓએ હવે ફાયર એનઓસી લેવાનું રહેશે નહિ, પરંતુ આવી શૈક્ષણિક સંસ્થાઓ નિર્દિષ્ટ નિયમાનુસારની ફાયર સેફ્ટી વ્યવસ્થાઓ સુનિશ્વિત કરીને સેલ્ફ એટેસ્ટેડ સ્વપ્રમાણિત રીતે ફાયર એનઓસી જાતે મેળવી શકશે. આ સ્વપ્રમાણિત- સેલ્ફ એટેસ્ટેડ ફાયર એનઓસી કર્યાની જાણ સંબંધિત નગર, શહેર કે જિલ્લામાં શિક્ષણ વિભાગના અધિકારીને કરવાની રહેશે.

રાજ્યમાં ઘણા કિસ્સાઓમાં ફાયર એનઓસીની તમામ જોગવાઇઓ પૂર્ણ થતી હોવા છતાં બી.યુ. પરમીશન ન હોવાને કારણે ફાયર એનઓસી આપવામાં આવતું નથી. મકાનના વપરાશ પ્રમાણપત્ર એટલે કે બી.યુ. ન મળવાના અન્ય કારણો પણ હોઇ શકે છે. આ સંદર્ભમાં રાજ્ય સરકાર દ્વારા નિયામકશ્રી અગ્નિ શમન સેવાઓને સ્પષ્ટતા કરવામાં આવી છે કે ફાયર એનઓસી આપવી એ બી.યુ. પરમીશન પૂર્વેની જરૂરિયાત છે. એટલે કે જ્યાં બી.યુ. પરમીશન ન મળી હોય તેવા બિલ્ડિંગો પણ જો ફાયર એનઓસીની જોગવાઇઓની સંપૂર્ણ પૂર્તતા કરતાં હોય તો તેમને ફાયર એનઓસી આપવા માટે બી.યુ. પરમીશનનો બાધ રહેશે નહિ.

આ બેઠકમાં અન્ય એક એવો નિર્ણય પણ લેવામાં આવ્યો છે કે નગરપાલિકા વિસ્તારોમાં ફાયર એનઓસી આપવાની સત્તા અને અધિકારો અગ્નિશમન નિયામકના સ્થાને સંબંધિત નગરપાલિકાના ફાયર ઓફિસરોને આપવામાં આવશે. આ નિર્ણયને પરિણામે રાજ્યના નગરોમાં ફાયર એનઓસી લોકોને ત્વરાએ મળી શકશે. વિજયભાઇ રૂપાણીએ એવો પણ નિર્ણય કર્યો છે કે, શહેરી વિકાસ સત્તા મંડળોના વિસ્તારોમાં સમાવિષ્ટ વિસ્તારો માટે મહાનગર પાલિકાના ચીફ ફાયર ઓફિસર ફાયર એનઓસી આપવાની કામગીરી કરશે.મુખ્યમંત્રીના અધ્યક્ષતામાં યોજાયેલી ફાયર સેફટી અંગેની આ સમીક્ષા બેઠકમાં શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ તેમજ ફાયર અને શહેરી વિકાસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.