ગુજરાત અનલોક: પૂરા સ્ટાફ સાથે સરકારી કચેરીઓ ધમધમી: શાળા-કોલેજો ‘ઓનલાઈન’ શરૂ

ગુજરાત
ગુજરાત 35

કોરોનાના કેસ ઘટવા લાગતાં સરકાર દ્વારા છૂટછાટમાં અપાઈ રહેલો વધારો: રાજ્યની દરેક સરકારી કચેરીઓ ઉપરાંત ઓફિસમાં 100 ટકા સ્ટાફ સાથે કામગીરીની છૂટ: 11 જૂન બાદ વધુ છૂટછાટ મળવાની સંભાવના : જીમ, સ્પા, સ્વિમિંગ પુલ સહિતનું હજુ પણ બંધ: આગલા ફેઈઝમાં તેને છૂટ મળી શકે

એપ્રિલ અને મે મહિનામાં ગુજરાતમાં આવેલી કોરોનાની બીજી લહેરે રાજ્યની તમામ ગતિવિધિઓને તહેસ-નહેસ કરી નાખી હતી અને રાજ્યના દરેક શહેર તેમજ ગામડામાં કોરોના નામના રાક્ષસની જ ચર્ચા થતી હતી અને કોરોનાને રોકવા માટે સરકારે રાજ્યના 36 શહેરોમાં આંશિક લોકડાઉન લાગુ કરવું પડ્યું હતું. જો કે આ લોકડાઉનમાં છેલ્લા એક સપ્તાહથી ધીમે-ધીમે છૂટછાટો આપવામાં આવી રહી હતી. જ્યારે હવે આજથી તેમાં વધુ છૂટ અપાઈ હોય તેવી રીતે દરેક સરકારી કચેરીઓ અને ઓફિસોમાં 100 ટકા સ્ટાફની હાજરીને છૂટ અપાઈ છે તો આજથી શાળા-કોેલેજોનું નવું સત્ર શરૂ થઈ રહ્યું હોય ‘ઓનલાઈન’ અભ્યાસનો પણ શુભારંભ થઈ ચૂક્યો છે.

આજથી રાજ્યના દરેક શહેરોમાં સરકારી કચેરીઓ રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે ખાનગી ઓફિસોને પણ પૂરા સ્ટાફને એન્ટ્રી આપવા દેવામાં આવનાર હોવાથી આજથી દરેક સરકારી અને ખાનગી ઓફિસોમાં સ્ટાફની ચહલ-પહલ શરૂ થઈ જવા પામી છે. બીજી બાજુ આજથી શાળા-કોલેજોનું નવું સત્ર શરૂ થઈ ચૂક્યું છે પરંતુ હજુ સુધી સ્કૂલ-કોલેજો શરૂ કરવામાં આવી નથી પરંતુ આજથી દરેક શાળા-કોલેજોને ‘ઓનલાઈન’ અભ્યાસ કરાવવામાં આવશે. આજથી રાજ્યની દરેક કોર્ટ પણ રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવી છે.

જો કે સરકાર દ્વારા હજુ સુધી જીમ, સ્વિમિંગ પુલ, સ્પોર્ટસ કોમ્પલેક્સને હજુ પણ બંધ જ રાખવાનું અમલી બનાવાયું છે. આ ઉપરાંત દુકાનોને સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છૂટ અપાઈ છે જેમાં 11 જૂન બાદ વધુ છૂટછાટ મળવાની સંભાવના છે. જો કોરોનાની રફ્તાર આ રીતે જ ઘટતી રહેશે તો 11 જૂન બાદ જીમ, સ્પા, સ્વિમિંગ પુલ સહિતના સંકુલો પણ ધમધમવા લાગે તેવી સંભાવના છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.