ગુજરાત ATS એ મહારાષ્ટ્રમાં રેડ કરી સુરતના ડ્રગ્સ કેસના ફરાર બે આરોપી ભિવંડીમાં 800 કરોડના ડ્રગ્સ સાથે ઝડપ્યા

ગુજરાત
ગુજરાત

સુરતમાં કેરાલી ગામમાં ઝડપાયેલી ફેક્ટરી ની અંદરથી ડ્રગ્સ બાબતે તપાસના મામલે હવે એક મોટો ઘટસ્ફોટ થયો છે, આ મામલે ગુજરાત ATS ના અધિકારીઓ દ્વારા મુંબઈ ભિવંડીમાં રેડ પાડવામાં આવી હતી. જેમાં રેડ દરમિયાન ગુજરાત ATSએ રૂપિયા 800 કરોડનું ડ્રગ્સ કબજે કર્યું છે. આ કાર્યવાહી બાબતે મળતી વિગતો પ્રમાણે ભિવંડીના એક ફ્લેટમાંથી ડ્રગ્સ કબજે કરી લેવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે, ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીની પણ ધરપકડ કરી કરવામાં આવી છે.

સુરત ની ફેકટરી માંથી MD ડ્રગ્સ મોટી માત્રામાં મળી આવ્યું હતું. જેની તપાસમાં વધુ બે આરોપીના નામ સામે આવ્યા હતા જેના પકડવાના બાકી હતાં. આરોપીઓની શોધખોળ કરતા ગુજરાત ATSને આરોપીઓ દ્વારા મુંબઈમાં એમડી ડ્રગ્સ બનાવતા હોવાનું જાણવા મળ્યું હતું, જેના આધારે પોલીસે મુંબઈથી બે આરોપીની ધરપકડ કરી 800 કરોડની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. ગુજરાત ATS દ્વારા ગત તારીખ 18 જુલાઈના રોજ સુરતના પલસાણા તાલુકાના કારેલી ગામમાં એક ફેક્ટરીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી ગેરકાયદેસર રીતે એમડી ડ્રગ્સ બનતું હોવાનું સામે આવ્યું હતું. ATS દ્વારા ફેક્ટરી માંથી ચાર કિલો મેફેડ્રોન અને 31.409 કિલો લિક્વિડ મેફેડ્રોન મળી કુલ 51 કરોડથી વધુનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો.

આ કેસમાં અત્યાર સુધી ત્રણ આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. જેની પૂછપરછમાં સામે આવ્યું કે આ સમગ્ર કેસમાં મોહમ્મદ યુનુસ ઉર્ફે એજાજ અને મોહમ્મદ આદિલ પણ સામેલ હતા, જેથી ગુજરાતી એટીએસ બંને આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. જેની તપાસમાં ગુજરાત ATS ને માહિતી મળી હતી કે મુંબઈના ચીંચબંદર વિસ્તારમાં મોહંમદ યુનુસ તેનો ભાઈ મોહમ્મદ આદિલ ભિવંડી વિસ્તારમાં એક ફ્લેટમાં એમડી ડ્રગ્સ બનાવી રહ્યા છે. જે માહિતીનાં આધારે ગુજરાત ATS એ મુંબઈમાં દરોડો પાડી બંને ભાઈઓની ધરપકડ કરી છે.

ગુજરાત ATS દ્વારા માહિતીના આધારે મુંબઈના ભિવંડી વિસ્તારના નદી નાકા પાસે આવેલા ફ્લેટમાં દરોડા પાડ્યા હતા. જ્યાં એમડી ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયા ચાલુ હાલતમાં મળી આવી હતી. ફ્લેટ માંથી 10.969 કિલોગ્રામ સેમી લિક્વિડ એમડી અને અલગ અલગ બેરલોમાં ભરેલું 782.236 કિલોગ્રામ લિક્વિડ ફોર્મમાં એમડી મળી આવ્યું હતું. જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 800 કરોડ રૂપિયા જેટલી થાય છે. આ ઉપરાંત સમગ્ર ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતું ગ્રાઈન્ડર, મોટર, ગ્લાસ ફ્લાસ્ક, હીટર સહિતની વસ્તુઓ પણ મળી આવતા સમગ્ર મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે તેમજ ગેરકાયદેસર રીતે ડ્રગ્સ બનાવતા મોહમ્મદ યુનુસ અને મોહમ્મદ આદિલની ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાત ATS દ્વારા પકડેલા બંને આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે મહંમદ યુનુસ ઉર્ફે એજાજ દુબઈ માંથી ગોલ્ડ અને ઇલેક્ટ્રોનિક આઈટમ્સનાં સમગ્લિંગ પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે. મોહંમદ યુનુસને દુબઈમાં એક વ્યક્તિ મળ્યો હતો જેની સાથે મળીને મોહમ્મદ યુનુસ અને મોહંમદ આદિલે ગેરકાયદેસર રીતે એમડી ડ્રગ્સનું ઉત્પાદન કરતા હતા અને તેનું મોટા પ્રમાણમાં વેચાણ પણ કરતા હતા. બંને ભાઈઓએ એમડી ડ્રગ્સ તૈયાર કરવા માટે છેલ્લા 8 થી 9 મહિનાથી ભિવંડી વિસ્તારમાં ફ્લેટ ભાડે રાખ્યો હતો. આ વિસ્તારમાં લોકોની અવર-જવર ઓછી હોવાથી ત્યાં તેને ફ્લેટ ભાડે રાખ્યો હતો અને એમડી ડ્રગ્સ તૈયાર કરતા હતા. ડ્રગ્સ તૈયાર કરવા માટે રો મટીરીયલ, સાધન સામગ્રી એકઠી કરી કેમિકલ પ્રોસેસ પણ કરવામાં આવી રહી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવી છે કે મોહમ્મદ યુનુસ અને મોહમ્મદ આદિલ સાથે ડ્રગ્સ બનાવવાના કેસમાં દુબઈનો એક વ્યક્તિ તો સંડોવાયેલો છે ઉપરાંત સાદીક નામનો વ્યક્તિ પણ સામેલ છે જે પોલીસ પકડથી દૂર છે. જોકે હવે ગુજરાત એટીએસ તપાસ કરી રહી છે કે પકડાયેલા બંને ભાઈઓ કેટલા સમયથી ડ્રગ્સ બનાવતા હતા અને તેણે બનાવેલું ડ્રગ્સ કઈ કઈ જગ્યા ઉપર વેચાણ કરતા હતા, તેમજ દુબઈના વ્યક્તિ સાથે કઈ પ્રમાણેની ડીલ થઈ હતી તેને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.