ગુજરાત આપ ના પ્રદેશમંત્રી દિનેશ કાછડીયાએ પાર્ટીના તમામ પદ પરથી આપ્યું રાજીનામું
આમ આદમી પાર્ટી (આપ) ને ગુજરાતમાં ફરી એક વાર મોટો ઝટકો લાગ્યો છે, ગુજરાતમાં આપ ના પ્રદેશમંત્રી દિનેશ કાછડીયાએ પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપતા તેમણે કારણ જણાવતા કહ્યું હતું કે, પાર્ટીમાં તેમની કોઈ પ્રાસંગિકતા કે ઉપયોગિતા જણાતી નથી, આથી તેઓ પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યા છે.
આપ ના પ્રદેશમંત્રી દિનેશ કાછડીયાએ રાજીનામું આપવાની સાથે ચોંકાવના કારણ પણ જણાવ્યું છે. રાજીનામામાં તેમણે લખ્યું કે, ‘રાજ્ય અને દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિઓ તેમ જ છેલ્લા એક વર્ષના મારા આ પાર્ટી સાથેના કાર્યાનુભવોને જોતાં આપ, ગુજરાતમાં મારી કોઈ પ્રાસંગિકતા કે ઉપયોગિતા જણાતી નથી, આથી હું પાર્ટીનાં તમામ પદ અને સભ્ય પદેથી રાજીનામું આપું છું
જો કે, અગાઉ દિનેશ કાછડીયા સુરત મહાનગર પાલિકા (એસએમસી)ના કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે. જ્યારે વર્તમાનમાં તેઓ સુરતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી પદની જવાબદારી સંભાળી રહ્યા હતા. જો કે, હવે તેમના રાજીનામાંથી સુરતમાં રાજકારણ ગરમાયું છે અને અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારી રદ્દ થતા, લોકો પાસેથી મતાધિકાર છીનવી લેવાના આરોપ સાથે દિનેશ કાછડીયાએ નિલેશ કુંભાણી વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેનશમાં ફરિયાદ કરી હતી. દિનેશ કાછડીયાએ આરોપ લગાવ્યો હતો કે, નિલેશ કુંભાણી દ્વારા સુરતની જનતા સાથે દગો કરવામાં આવ્યો છે.