અમદાવાદમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ, ઐતિહાસિક દ્રશ્યો જોવા મળ્યા
શહેરનાં પૂર્વ વિસ્તારમાં વિરાટનગરથી લઈને નિકોલ ખોડિયાર મંદિર સુધી 3 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત અન્ય ધારાસભ્યો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. તિરંગા યાત્રાને પગલે રૂટ પરનાં ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. ફુવારા સર્કલ થઈ ઓઢવ રિંગ રોડ તરફ જતો તથા ઓઢવ રિંગ રોડ તરફથી ફૂવારા સર્કલ તરફ આવતો પૂર્વથી પશ્ચિમ તરફનો 300 મીટર જેટલો માર્ગ વાહનોની અવરજવર માટે સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો હતો.
આ તિરંગા યાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. દરમિયાન, ‘ભારત માતા કી જય’ના નાદથી અમદાવાદ ગૂંજ્યું ઊઠ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જનમેદનીને સંબોધિ કહ્યું હતું કે, આપણે 15 ઓગસ્ટે 78 માં વર્ષમાં પ્રવેશ કરીશું. PM નરેન્દ્ર મોદીએ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ની શરૂઆત કરી હતી. જ્યારે ‘તિરંગા અભિયાન’ વિકસિત ભારતનું પ્રતિક છે. તેમણે કહ્યું કે, ‘હર ઘર તિરંગા અભિયાને’ યુવાઓમાં ઊર્જા ભરી છે. 15મી ઓગસ્ટે દરેક ઘર અને હાથમાં તિરંગો હોવો જોઈએ. જ્યારે CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વિકસિત ભારત માટે આપણે કર્તવ્યબદ્ધ થવાનું છે. PM નરેન્દ્ર મોદીએ ‘હર ઘર તિરંગા યાત્રા’ને પ્રેરણા આપી છે. તિરંગાયાત્રા થકી દેશને વિકાસ પથ પર લઈ જવાનો છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારીતા પ્રધાન અમિત શાહે, તિંરગા યાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે સંબોધન કરતા કહ્યું કે, આજે હર ઘર તિરંગા એક કાર્યક્રમના પ્રચાર અને પ્રસાર માટે તિરંગા યાત્રાનું આયોજન દરેક જિલ્લા મથકે કરાયું છે. સમગ્ર દેશભરમાં જુવાનિયામાં ઉર્જા ભરવાનું કામ કરે છે. દેશભક્તિની અભિવ્યક્તિ નહીં, 2047માં વિકસીત ભારતના સંકલ્પનો એક ભાગ બન્યું છે. 15મી ઓગસ્ટે દરેક જગ્યાએ તિરંગો ફરકે અને વાતાવરણ તિરંગામય બને.
નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ માટે 3 લક્ષ્યાંક રાખ્યા હતા. આઝાદીના લડતનો ઈતિહાસ યાદ કરાવવો. 75 વર્ષમાં દેશે પ્રાપ્ત કરેલ સિદ્ધિઓથી અવગત કરાવવા અને 75થી 100 વર્ષની આ યાત્રા દેશના વિકાસ સાથે જોડાઈ ભારતને સમગ્ર વિશ્વમાં દરેક ક્ષેત્રે નંબર 1 બનાવવાનો પુરુષાર્થ કરવા માટે આયોજન કરાયું હતું.