વિદેશી પ્રવાસીઓ તો જોઇને ગાંડા થયા! : રણોત્સવમાં રમકડાના ઊંટ ધૂમ મચાવી રહ્યા છે

ગુજરાત
ગુજરાત

અમદાવાદ, ઊંટ એ રણનો રાજા કહેવાય છે અને કચ્છના સફેદ રણમાં પણ પ્રવાસીઓ આવે ત્યારે ઊંટ પર બેસ્યા વગર તેમનો પ્રવાસ અધૂરો જ રહી જાય છે. તો ઊંટગાડી પર બેસવા ઉપરાંત પ્રવાસીઓમાં ઊંટના શો-પીસનો ભારે ક્રેઝ ઉપાડયો છે. કચ્છના એક કારીગર દ્વારા કાપડ અને તારમાંથી બનાવાતા ઊંટ, ઘોડા અને ગાડાના શો પીસ રણોત્સવમાં ધૂમ મચાવે રહ્યા છે. વિદેશી પ્રવાસીઓને તો આ ઊંટનો એટલો ચસ્કો લાગ્યો છે કે રોજના રોજ બનાવવામાં આવતા આ ઊંટ રોજ વેંચાઈ જાય છે.

કચ્છમાં જોવા મળતી ભાત ભાતની હસ્તકળાઓ દેશ વિદેશના લોકોનું મન મોહી લે છે. તો અહીંના કારીગરો પણ લોકોને હરહંમેશ કંઇક નવું આપવાની ઈચ્છા સાથે પોતાની કારીગરીનો કરતબ દેખાડે છે. કચ્છના બન્ની વિસ્તારના જ ધોરડો ગામે રહેતા કાના મારવાડા એક અલગ પ્રકારની હસ્તકળા થકી રણોત્સવમાં પ્રખ્યાત થઈ રહ્યા છે.

આ કચ્છી કારીગર દ્વારા કાપડ અને તારમાંથી બનાવવામાં આવતા ઊંટના શો પીસથી પ્રવાસીઓ ખૂબ આકર્ષાઈ રહ્યા છે અને કચ્છી હસ્તકળા વાળા દેશી રમકડાંની માંગ ખૂબ વધી છે. કચ્છી હસ્તકળા વાળા કાપડને તારથી જોડી તેને વિવિધ આકાર આપી આ કારીગર ઊંટ, ઘોડા અને ગાડાના શોપીસ બનાવે છે. રણોત્સવની ટેન્ટ સિટીમાં ઊભા કરાયેલ હસ્તકળા સ્ટોલમાં આ કારીગર પોતાની હસ્તકળા પ્રદર્શિત કરે છે.

ટેન્ટ સિટીમાં વિદેશી પ્રવાસીઓ મોટી સંખ્યામાં રોકાતા અન્ય કયાંય જોવા ન મળતાં આ પ્રકારના રમકડાંથી તેઓ ખૂબ આકર્ષાઈ રહ્યા છે. ફક્ત રૂ. ૧૦૦ થી રૂ. ૧૦૦૦ સુધીના આ શોપીસ રોજ જેટલા બનાવવામાં આવે છે તેટલા વેંચાઈ જાય છે. ધોરડો ગામમાં સાત કારીગરો રોજ કાપડ અને તારમાંથી આ પ્રકારના રમકડાં બનાવે છે. મહિલા કારીગરો પણ હવે આ કારીગરીમાં જોડાઈ રહ્યા છે અને દિવસની સારી આવક ઊભી કરી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.