ખાદ્યતેલોનો ભાવવધારો વિધાનસભામાં ગાજયો: હોબાળો

ગુજરાત
ગુજરાત

રાજયમાં ખાદ્યતેલોમાં બેફામ ભાવવધારાનો મુદો આજે વિધાનસભામાં ઉઠયો હતો અને તે મામલે ભાજપ-કોંગ્રેસ સામસામા આવી ગયા હતા. સામસામી નારેબાજી કરી હતી. ‘તેલીયારાજા’ શબ્દપ્રયોગ મુદે પણ આક્ષેપ-પ્રતિઆક્ષેપ થયા હતા. છેવટે અધ્યક્ષે કડક તાકીદ કર્યા બાદ મામલો થાળે પડયો હતો.

વિધાનસભામાં કોંગ્રેસના મહિલા ધારાસભ્ય ચંદ્રીકાબેન બારીયાએ ખાદ્યતેલોમાં બેફામ ભાવવધારાનો મુદો ઉભો કરીને તીવ્ર ભાવવધારાને અંકુશમાં લેવા સરકારે શું પગલા લીધા તેવો સવાલ ઉભો કર્યો હતો અને ત્યારબાદ તુર્ત ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ પેટાપ્રશ્ર્ન ઉઠાવતા વિધાનસભાના અધ્યક્ષે અટકાવ્યા હતા. આ તકે કોંગ્રેસના જ ધારાસભ્ય અમીત ચાવડાએ પણ પેટાપ્રશ્ર્ન ઉપસ્થિત કરીને તેલીયારાજાઓ ઘર ભરે છે અને તમે ચૂંટણીના સમયે મોંઘવારી હટાવવાના સૂત્રો આપતા હોવાનું વિધાન કર્યુ હતું જેને પગલે સામસામી તડાપીર બોલવાની શરુઆત થઈ હતી.

નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ ‘તેલીયારાજા’ શબ્દપ્રયોગ સામે અકળાયા હતા અને એવું નિવેદન કર્યુ હતું કે કોંગ્રેસના ધારાસભ્યોએ આક્ષેપો કરતા પુર્વે પુરતો અભ્યાસ કરવો જોઈએ. કારણ કે કોરોનાકાળમાં ઘરઆંગણે વપરાશ વધ્યો હતો. ઉપરાંત વિદેશમાં પણ મોટાપાયે નિકાસ થઈ હતી. તેલના ઉંચા ભાવથી ખેડુતોને પણ મગફળીના ઉંચા ભાવ મળ્યા હતા. પરિણામે ખેડુતો ખુશ છે.
નીતીન પટેલે એવી પણ ટકોર કરી હતી કે કૃષિ પેદાશના ઉંચા ભાવથી ખુશ ખેડુતોએ ચાર દિવસ પુર્વે ચૂંયણીમાં જવાબ પણ આપી દીધો છે. કોંગ્રેસને દુખે છે પેટ અને કુટે છે માથુ એવુ આક્ષેપ કરતા વિધાનસભામાં જબરો ઉહાપોહ-હોબાળો મચ્યો હતો. નાયબ મુખ્યમંત્રીએ હર્ષદ રીબડીયા તરફ પણ પ્રહાર કરતા કહ્યું કે ખેડુત થઈને ફરતા લોકોને પ્રજાએ ઘરભેગા કરી દીધા છે. સસ્તી લોકપ્રિયતા અને મીડીયામાં છવાઈ જવા જ આક્ષેપ કરતા હોવાનો ટોણો માર્યો હતો.

ખાદ્યતેલના ભાવવધારા મામલે ભાજપ-કોંગ્રેસ સામસામા આવી ગયાની સ્થિતિ થઈ હતી. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પણ વચ્ચે ટોણો માર્યો હતો ત્યારે નાયબ મુખ્યમંત્રીએ ફરી એવો આક્ષેપ કર્યો હતો કે ખેડુતોને ઉંચા ભાવ મળે છે તો વિપક્ષ કેમ દુખી છે? આ તકે બન્ને પક્ષના સભ્યો ઉભા થઈ ગયા હતા અને હાથ ઉંચા કરીને એકબીજા પર આક્ષેપો કરવા લાગ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.