દર રવિવારે ગુજરાતના ગામડાઓમાં હેલ્થ ચેકઅપ કેમ્પ યોજે છે તબીબો
અમદાવાદ, આપણા સમાજમાં ડૉક્ટરોને ઈશ્વરનો દરજ્જો આપવામાં આવ્યો છે. કેટલીયવાર દર્દીને મોતના મુખમાંથી ખેંચી લાવતા ડૉક્ટરોની છાપ આજકાલ એવી પડી ગઈ છે કે, તેઓ કમાણી કરવા બેઠા છે એટલે દર્દીઓને લૂંટે છે. કયાંક કોઈક ખૂણે આ માન્યતા સાચી પણ હશે. જોકે, આજે નેશનલ ડૉક્ટર્સ ડેના દિવસે એવા કેટલાક તબીબો વિશે જણાવીશું જે માનવતાના ધોરણે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં જઈને દર્દીની સેવા કરે છે.
દર રવિવારે તેઓ હેલ્થ કેમ્પ યોજીને દર્દીઓને તપાસે છે. ૧૬ વર્ષ પહેલા ખેડામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી એ વખતે રાહત કામગીરીમાં જોડાયેલા સ્વયંસેવકોએ વાસણાના ફેમિલી ફિઝિશિયન ડૉ. પંકજ શાહને વિનંતી કરીએ કે તેઓ અસરગ્રસ્ત ગ્રામજનો માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરે. ડૉ. પંકજ શાહે એ વખતે અનિચ્છાએ હા પાડી દીધી પરંતુ એમને કયાં ખબર હતી કે અહીં તેઓ જે અનુભવ કરશે તે જીવન બદલી નાખશે, પ્રચૂર પરોપકારિતાની ભાવના જગાડી દેશે. એ દિવસથી શરૂ થયેલો ક્રમ આજે પણ અવિતર ચાલે છે.
ડૉક્ટર પંકજ શાહે કહ્યું, *એ દિવસથી અમે દર રવિવારે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં હેલ્થ કેમ્પનું આયોજન કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં અમે દર વર્ષે ૨૦૦થી વધુ ગામડા અને એક લાખની વસ્તીને આવરી લીધી છે. આ પહેલે વિશ્વાસનું રૂપ ધારણ કર્યું અને આજે આ ઉમદા કાર્યમાં અમારી સાથે ૧૮ ડૉક્ટરો જોડાયેલા છે.
આજકાલ મેડિકલનો અભ્યાસ પૂરો કર્યા પછી નવા તબીબો કોઈ મોટી હોસ્પિટલોમાં નોકરી કરવાનું પસંદ કરે છે અથવા તો શહેરોના પોશ વિસ્તારોમાં ક્લિનિક ખોલવાનું પસંદ કરે છે. ગ્રામ્ય વિસ્તારમાં તેઓ કામગીરી કરવા નથી માગતા એટલે તેમના અભ્યાસ દરમિયાન જ જરૂરી બોન્ડની રકમ જમા કરાવીને તેમને ફરજિયાત આ વિસ્તારોમાં મોકલવામાં આવે છે. બીજી તરફ ડૉ. પંકજ શાહ અને તેમની સાથે કામ કરતાં ડૉક્ટરો બિનશહેરી વિસ્તારોમાં રહેતા લોકો આરોગ્યની સેવાથી વંચિત ના રહે તે સુનિશ્ચિત કરે છે.
કેટલાય ડૉક્ટરો નિદાનથી માંડીને સુપરસ્પેશિયાલિટી કેર સુધીની સેવા સેવાભાવે આપે છે. અમે વાર્ષિક કેલેન્ડર તૈયાર કરેલું છે અને અમદાવાદ, ખેડા અને ગાંધીનગર જિલ્લાના ગામડાઓને આવરી લઈએ છીએ. એકવારના કેમ્પ પણ ઓછા પડે છે કારણકે ઘણીવાર એવું થાય છે કે, રોગ ફરીથી ઉથલો મારે છે. અમારું ફોક્સ નોન-કમ્યુનિકેબલ ડિસીઝ જેવા કે ડાયાબિટીસ અને હાયપરટેન્શન પર છે કારણકે તેના દર્દીઓની સંખ્યા દર વર્ષે વધી રહી છે*, તેમ ડૉ. શાહે વધુમાં ઉમેર્યું.
ડૉ. પંકજ સાથે જ આ સેવાયજ્ઞ કરતાં ડૉ. રમેશ પટેલનું કહેવું છે કે, જરૂરિયાતમંદોની સેવા કરવી તે ડૉક્ટરોની ફરજ છે પરંતુ અહીં સાચું બલિદાન તો તબીબોના પરિવારો આપે છે. *કોણ અમને દર રવિવારે સવારથી સાંજ સુધી ઘરની બહાર જવા દે? રજાનો દિવસ પરિવાર માટેનો હોય છે અને એ પણ અમે ચોરીને દર્દીઓને આપી દઈએ છીએ. જોકે, આ દરમિયાન અમને કેટલાય હૃદયદ્રાવી કિસ્સા જાણવા મળે છે જેથી અમને કયારેય અમારા કામથી કંટાળો નથી આવતો*, તેમ તેમણે ઉમેર્યું.