દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકર મુંબઈની હોટેલમાંથી મૃત હાલતમાં મળ્યા

ગુજરાત
ગુજરાત

આપઘાતની આશંકા, ગુજરાતીમાં સ્યૂસાઈડ નોટ મળી

મુંબઈની મરિન ડ્રાઇવ હોટેલમાંથી દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરનો મૃતદેહ મળ્યો છે. હોટેલમાંથી ગુજરાતીમાં સ્યૂસાઈડ નોટ મળી છે. જેને પગલે તેમણે આપઘાત કર્યો હોવાની આશંકા છે. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા હતા. હાલ તેમના મોત અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

58 વર્ષીય મોહન ડેલકર દાદરા નગર હવેલીના અપક્ષ સાંસદ છે. 1989માં મોહન ડેલકર પહેલીવાર સાંસદ બન્યા હતા. તેઓ 7 ટર્મથી ચૂંટાતા હતા. 1989થી વર્ષ 2004 સુધી મોહન ડેલકરે અપક્ષ, ભાજપ અને કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી સતત 6 વખત વિજય મેળવી ઈતિહાસ સર્જી દીધો હતો.

ડેલકરને ગૃહ મંત્રાલયની પરામર્શ કન્સ્લ્ટેટિવ કમિટીમાં સ્થાન મળ્યું હતું. સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરને ગૃહ મંત્રાલયની પરામર્શ કન્સ્લ્ટેટિવ કમિટીમાં નિમણૂંક કરવામા આવી હતી. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બનાવવામાં આવેલી આ કમિટીમા લોકસભા અને રાજ્યસભા મળી કુલ 28 જેટલા સાંસદોને સ્થાન આપવામા આવ્યું હતું. લોકસભાના 15 સિનિયર સાંસદોને આપવામાં આવેલ સ્થાનમાંથી મોહન ડેલકરને બીજા નંબરે સ્થાન આપવામા આવ્યું હતું.

મોહન ડેલકરે સેલવાસમાં ટ્રેડ યુનિયનના નેતા તરીકે પોતાના રાજકીય કરિયરની શરૂઆત કરી હતી. તે અલગ-અલગ ફેક્ટરીમાં કામ કરતા આદિવાસી લોકોના હક માટે લડતા હતા. ત્યારબાદ 1995માં તેમણે આદિવાસી વિકાસ સંગઠન શરુ કર્યું અને 1989માં તેઓ દાદરાનગર હવેલી મત વિસ્તારમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે નવમી લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને તેઓ સાંસદ તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ 1991 અને 1996માં પણ તેઓ આ જ મત વિસ્તારમાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા હતા.

ત્યારબાદ 1998માં તેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા. ભાજપમાંથી ચૂંટણી લડ્યા બાદ 1999 અને 2004માં તેઓ અપક્ષ અને ભારતીય નવશક્તિ પાર્ટીના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. ત્યારબાદ તેઓ 4 ફેબ્રુઆરી 2009ના રોજ ફરીથી કોંગ્રેસમાં જોડાયા અને વર્ષ 2019માં તેમણે કોંગ્રેસ માટે રાજીનામું આપીને ફરીથી તેઓ અપક્ષ લોકસભાની ચૂંટણી લડી અને સાંસદ બન્યા. ત્યાર બાદ ડેલકર JDUમાં જોડાયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.