ભાવનગરમાં ગરમીનો પારો 41 ડિગ્રીએ પહોચ્યો
મે માસના આકરા તાપનો પ્રારંભ થઈ ચુક્યો હોય તેમ સિઝનમા પ્રથમવાર ગરમીનો પારો 41 ડિગ્રીને આંબી જતાં ભાવનગરમાં આભમાંથી અંગારા વરસતા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે.ત્યારે મોડી સાંજ સુધી લૂ,બફારા અને અંગ દઝાડતી ગરમીનો સામનો કરતા નાગરિકો તોબા પોકારી ગયા હતા.બીજીતરફ રાજ્યમાં ઉનાળાની આકરી ગરમી પડવાની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે ત્યારે તે સાચી ઠરી હોય તેમ ભાવનગરમાં સવારથી જ સૂર્યનારાયણ આકરા મિજાજમાં જોવા મળી રહ્યા હતા.જ્યારે બપોરના સમયે આભમાંથી અગનગોળા વરસતા હોય તેમ અંગ દઝાડતો તાપ વરસ્યો હતો.જેના કારણે જૂના એસી કામ કરતા જ બંધ થઈ ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતુ.રસ્તાઓ પરથી પસાર થતાં વાહનચાલકો,રાહદારીઓને અંગ દઝાડતા તાપનો અનુભવ થયો હતો તો બફારાના કારણે શહેરીજનો પરસેવે રેબઝેબ થતાં જોવા મળ્યા હતા.આમ ગરમી વધતા ઠંડાપીણા,આઈસક્રીમ,શેરડીના રસ,તરબૂચ,ડીશગોળા સહિતની માંગ વધવા પામી હતી.જેમા ભાવનગરની સાથે પાલિતાણામાં પણ ગરમીનો પ્રકોપ રહ્યો હતો.છેલ્લા બે દિવસથી આકરી ગરમી સાથે લૂ વર્ષા થતાં લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા.