
અમદાવાદમાં આનંદનગર પોલીસ સ્ટેશન માટે ફાળવાયેલા પ્લોટમાંથી માથાં વગરનો મૃતદેહ મળતાં ચકચાર
અમદાવાદના આનંદનગરમાંથી માથા વગરની યુવાનની લાશ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. માથું શરીરથી અલગ કપાયેલી હાલતમાં મળી આવ્યું હતું. પ્રાથમિક તબક્કે હત્યા થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસને જાણ થતાં કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. વેજલપુર વિસ્તારમાં ગ્રીન એકર બિલ્ડિંગ નજીકનો આ બનાવ છે.
એસીપી એસ.ડી. પટેલે જણાવ્યું હતું કે, પાંચ તળાવ પાસેના ઝાડી-ઝાંખરામાંથી અંદાજિત 35 વર્ષના પુરુષનો મૃતદેહ મળ્યો હતો. FSLની તપાસ બાદ હત્યા કે આપઘાત છે તે હકીકત સામે આવશે. લાશ જૂની હોવાથી કોહવાઈ ગઈ છે. અત્યારે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે. રિપોર્ટ આવ્યા બાદ હકીકત જાણવા મળશે.
અમદાવાદના આનંદનગર વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાંથી લાશ મળી આવી. લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી. પોલીસના કહેવા પ્રમાણે 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ 10થી 15 દિવસ જૂની હોવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે. સ્થાનિકોને ખાલી પડેલા પ્લોટમાંથી દુર્ગંધ આવતી હોવાથી પોલીસને જાણ કરી અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.