પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ : બમબમ ભોલે ભંડારીના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા
ભક્તો શિવલીંગ પર દૂધની ધારા, બિલીપત્રો, ધતુરાના ફુલ ચડાવીને શિવજીને રીઝવશે
શિવ મંદિરો વિવિધ રોશનીથી ઝળહળી ઉઠશે : વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે: પવિત્ર શ્રાવણમાસનો મંગલ પ્રારંભ થયો છે ત્યારે ઠેર ઠેર શિવાલયોમાં ધાર્મિક મહોત્સવોનું આયોજન કરવામાં આવ્યું છે. હિન્દુઓમાં શ્રાવણ મહિનાનું અનેરૂં મહત્વ છે. આ માસ દરમિયાન સુપ્રસિધ્ધ શીવ મંદિરો તેમજ અન્ય શીવાલયોમાં શ્રાવણોત્સવની ધામધૂમથી ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. સિધ્ધપુર સહિત ઊંઝા તાલુકાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ દેવાધીદેવ મહાદેવના મંદિરોમાં ભજન સત્સંગ, કથા કીર્તન, ઋઅભિષેક, પંચામૃતાભિષેક, રૂદ્રાભિષેક, લઘુઋદ્રાભિષેક તેમજ ઓમ નમઃ શિવાયના જાપ દ્વારા ભક્તો આરાધના કરે છે. શ્રાવણ માસને અનુલક્ષીને કેટલાક સ્થળોએ ભાગવત કથાનું પણ આયોજન કરાયું છે. શ્રાવણ માસ દરમિયાન ભક્તો શીવજીને રીઝવવા, કૃપા મેળવવા શિવલીંગ પર પાણી અને દૂધની ધારા કરીને તેમજ બિલીપત્રો, ધતુરાના ફુલ તથા અન્ય ફુલો ચડાવીને શિવજીને રીઝવી રહ્યા છે. શીવ મંદિરોમાં ભક્તોની મોટી ભીડ જામે છે અને ભક્તિમય વાતાવરણ સર્જાય છે.
શ્રાવણ માસ દરમિયાન શિવ મંદિરોને વિવિધ રોશનીથી સજાવવામાં આવ્યા છે. આ સિવાય મંગલ પાવન દિવસોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મંદિરોમાં કલાત્મક દર્શનીય હિંડોળા દર્શન ઝાંખી, શણગાર કરાય છે. આમ શાંતિ અને ભક્તિના સુમેળભર્યા વાતાવરણમાં સમર્થ ભોલેનાથનો ઉત્સવ અનોખી રીતે ઉજવવામાં આવી રહ્યો છે. પવિત્ર શ્રાવણ માસ શરૂ થતાં શિવાલયો બમબમ ભોલેના નાદથી ગૂંજી ઉઠયા છે . એટલું જ નહીં પરંતુ ભક્તોનું ઘોડાપૂર ઉભરાશે. ભક્તો વહેલી સવારથી શિવાલયોમાં અને મંદિરોમાં શિવલિંગ પર દૂધ અને જળનો અભિષેક કરવામાં આવી રહ્યો છે. બાદ બિલીપત્ર શિવજીને અર્પણ કરાઈ રહ્યા છે. જ્યારે બમબમ ભોલે, હરહર મહાદેવ, જય ભોલે ભંડારી જેવા અનેક નામોથી જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું છે.
પ્રારંભ અને પૂણાર્હુતિ સોમવારથી : પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ સોમવારથી થઈ રહ્યો છે. જ્યારે મહિનાની પુર્ણાહુતી સોમવાર એટલે કે સોમવતી અમાસ થી થશે. આ મહિનામાં પાંચ સોમવાર આવી રહ્યા છે. પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ અને પૂણાર્હુતિ સોમવારથી થઈ રહ્યો છે.