કાનપુર નજીક અમદાવાદ આવતી બસને ભયંકર અકસ્માત: 17 ના મોત
બન્ને ચાલકો ‘પીધેલા’હતા
કાનપુરમાં થયેલા રોડ અકસ્માતમાં 17 લોકોના મોત બાદ પોલીસે હાલ તપાસ હાથ ધરી છે. જેમાં જાણવા મળ્યુ છે કે ડબલ ડેકર બસનાં ડ્રાઈવરે દારૂ પીધો હતો. ફજલગંજની એક દુકાનેથી કંડકટર અને ડ્રાઈવરોએ સાથે જ દારૂ પીધા બાદ બસ ચલાવતા તેમને અકસ્માત નડયો હતો.
જોકે દુર્ઘટના થવાનાં થોડા સમય પૂર્વે જ આરટીઓની ટીમે બસની તપાસ કરીને તેને લીલીઝંડી આપી હતી. બસ રવાના થયાનાં થોડા જ સમય બાદ તેનુ એકસીડન્ટ થઈ ગયુ હતું. આ મામલે તપાસ હાથ ધરાઈ છે. જેમાં ડ્રાઈવરો પર હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. સાથોસાથ બસ સામે અથડાયેલા ટેમ્પોમાં સવાર લોકો પર કોરોના પ્રોટોકોલનાં ઉલ્લંધનનો કેસ કરવામાં આવ્યો છે. દુર્ઘટના પહેલા થયેલી આરટીઓ ચેકીંગમાં જ ડ્રાઈવરોએ દારૂ પીધાની વાત સામે આવી ગઈ હોત
તો આ દુર્ઘટના બની ન હોત ત્યારે આરટીઓની તપાસ સામે પણ પ્રશ્ન થઈ રહ્યા છે. ફજલગંજથી અમદાવાદ માટે નિકળેલી બસના મુસાફરોએ પણ જણાવ્યું હતું કે બસના ડ્રાઈવરે ડીઝલ ભરાવતી વખતે પણ દારૂ પીધો હતો જેનો મૂસાફરોએ વિરોધ કરી ટ્રાવેર્લ્સ કંપનીને ફરીયાદ કરી હતી. પરંતુ ફોન પર વાત કરનારે ચિંતા ન કરવાનું કહ્યાનાં થોડા સમય બાદ જ બસ બેકાબુ બની જતાં સામે આવતા ટેમ્પો સાથે ટકરાઈ ગઈ હતી.
જેમાં 10 લોકોનાં મોત થયા હતા. જોકે ઘટના બાદ બસના ડ્રાઈવર અને કંડકટર ફરાર થઈ ગયા હતા. જેને પકડવા માટે ટીમ બનાવવામાં આવી છે.સાથે જ ઘટનાસ્થળે ફોરેન્સીક ટીમ અને ટેકનિકલ ટીમ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. જાણવા મળ્યા મુજબ મૃતકો પૈકી મોટાભાગનાં ટેમ્પોમાં સવાર યાત્રીઓ હતા.