બનાસ ડેરી ગોબર ગેસમાંથી બનતા CNGનો દેશનો સૌથી પહેલો પંપ શરુ કરશે

Business
Business 272

ગુજરાતના સૌથી મોટા દૂધ ઉત્પાદક સંઘમાંના એક બનાસકાંઠાની બનાસ ડેરીએ ગાયના છાણમાંથી કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) બનાવવાનો પ્લાન્ટ શરુ કર્યો છે અને આ પ્લાન્ટમાંથી ઉત્પાદિત થતા ગેસનું ટૂંક સમયમાં કોમર્શિયલ વેચાણ પણ શરુ કરવામાં આવશે. બનાસકાંઠાના ડિસા નજીક આ પંપ બનાવાયો છે. ગોબર ગેસમાંથી બનતા CNGનું વેચાણ કરતો દેશનો આ પહેલો પંપ હશે. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ આ અંગે એક ટ્વીટ પણ કરી હતી.

 

ડેરીના મેનેજીંગ ડિરેક્ટર કામરાજ ચૌધરીએ જણાવ્યું કે, આગામી એક સપ્તાહમાં અમારા CNG પંપ પરથી વેચાણ શરુ થઇ જશે. આ માટેની તમામ મંજૂરીઓ મેળવી લેવાઈ છે. ડિસાથી આશરે 10 કિલોમીટર દુર અમારા બાયોગેસ પ્લાન્ટની નજીક CNG પંપ બનાવવામાં આવ્યો છે જેથી ગેસની સપ્લાય સરળતાથી થઇ શકે.બનાસકાંઠા જીલ્લાના 25 ગામોમાંથી પશુપાલકો પાસેથી રોજ છાણ ખરીદવામાં આવે છે અને તેના માટે તેઓને કિલો દિઠ રૂ. 1 ચુકવણું કરાય છે. કલેક્શન માટે એક ખાસ વાહન બનાવવામાં આવ્યું છે જેમાં વજન કાંટો છે. હાલમાં રોજના 40 ટન ગાયનું છાણ એકત્રિત કરવામાં આવે છે.ગોબર ગેસનો પ્લાન્ટ બનાવવા અને તેમાંથી CNGના ફિલ્ટરેશન માટેની ટેકનોલોજી પર રૂ. 8 કરોડ જેવો ખર્ચ કરવામાં આવ્યો છે. અત્યારે તો બનાસ ડેરીએ આ ખર્ચ કર્યો છે, પરંતુ અમે સરકાર પાસે સબસિડીની માગ કરી છે.

ટ્વિટર પર શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, ગોબર ગેસ પ્લાન્ટ પ્રોજેક્ટ માટે 100 લોકોની ટીમ બનાવવામાં આવી છે. આના માટે અમે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (IIT), બનારસ હિંદુ યુનિવર્સિટી અને ઈરમા જેવી મોટી મોટી ઇન્સ્ટિટ્યુટમાંથી હાયરિંગ કરવામાં આવ્યું છે.ગોબર ગેસ પ્લાન્ટના પ્રોજેક્ટ મેનેજર પ્રિયંક મહેતાએ જણાવ્યું કે, આ પ્લાન્ટમાં 40 કિલો છાણને પ્રોસેસ કરતાં અંદાજે 2000 ક્યુબીક મીટર બાયોગેસ ઉત્પન્ન થાય છે. તેને પ્રોસેસ કરતાં 700-800 કિલો CNG ગેસ મળે છે. આ ઉપરાંત બાય પ્રોડક્ટ તરીકે તેમાંથી લિક્વિડ અને સોલિડ ફર્ટિલાઇઝર મળે છે જે સંપૂર્ણ ઓર્ગેનિક છે. આ ફર્ટિલાઇઝરનું ખેડૂતોને વિતરણ કરવામાં આવશે. આ ફર્ટિલાઇઝરમાં વેલ્યુ એડિશન પણ કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.