અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમિત શાહનું સ્વાગત કર્યું

ગુજરાત
ગુજરાત 87

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ આજે શપથગ્રહણ કરવાનાં છે. ત્યારે સૌથી પહેલા તેમણે નીતિન પટેલના નિવાસ સ્થાને જઈને તેમની મુલાકાત કરી હતી. ત્યાર બાદ વિજય રૂપાણી અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની પણ મુલાકાત કરી હતી. તે ઉપરાંત શપથવિધીમાં ખાસ ઉપસ્થિત રહેનાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા ત્યારે ભુપેન્દ્ર પટેલ તેમનું સ્વાગત કરવા માટે એરપોર્ટ પહોંચ્યા હતાં.RSS, VHP, ABVP સહિતના અગ્રણીઓ કમલમ ખાતેથી રાજભવન ખાતે જવા રવાના થયા છે.

આજે 13-09-2021ના પંચાંગ પર દૃષ્ટિ કરીએ તો નક્ષત્ર જયેષ્ઠા છે, તિથિ સુદ-સાતમ છે અને સોમવાર છે. આ તમામ રાજ્યાભિષેક કરવા માટે ઉત્તમ છે. ગ્રહોની સ્થિતિ પર નજર કરીએ તો સૂર્ય હાલ સિંહ, એટલે કે પોતાની સ્વગૃહી રાશિમાંથી પરિભ્રમણ કરી રહ્યો છે, જે રાજકારણ માટેનો કારક ગ્રહ છે. શનિ પણ પોતાની સ્વગૃહી રાશિ મકર રાશિમાંથી પરિભ્રમણ કરી રહ્યો છે. આ તમામ સ્થિતિ રાજકારણની દૃષ્ટિએ શુભ ગણી શકાય. 2.20 વાગ્યે ચલ ચોઘડિયું છે, જે સામાન્ય ગણવામાં આવે છે (ના શુભ ના અશુભ) અને 2.20એ ચન્દ્રની હોરા રહેશે, જે શુભ ગ્રહ ગણવામાં આવે છે, તેથી આજના દિવસે લીધેલા શપથ શુભ સાબિત થઈ શકે છે, પરંતુ ચંન્દ્ર 2.20 વાગ્યાની કુંડળીમાં બારમાં સ્થાને હોવાથી મુખ્યમંત્રીશ્રીને પડકારોનો સામનો કરવો પડી શકે છે.

હવે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની શપથવિધી પહેલાં ભૂપેન્દ્ર પટેલના સમર્થકો અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં રાજભવન ખાતે પહોંચ્યા હતાં. ભાજપના ઝંડા સાથે કાર્યકરો અને સમર્થકોએ નારા લગાવ્યા હતાં. મુખ્યમંત્રીની શપથવિધી આજે બપોરે 2.30 વાગ્યે યોજાશે. રાજભવન પાસે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

નીતિન પટેલે કહ્યું હતું કે, હું ભુપેન્દ્ર પટેલની સાથે છું, તેઓ મારા જુના અને નજીકના મિત્ર છે.સામાજિક રીતે પણ અમે નજીક છીએ. તેમને જરૂર પડશે ત્યારે ચોક્કસ માર્ગદર્શન આપીશ. આજના શપથગ્રહણ સમારંભમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સહિત, કર્ણાટક, ગોવા અને આસામના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે. શપથવિધી બાદ મહત્વની બેઠક મળશે જેમાં મંત્રીમંડળને લઈને ચર્ચાઓ કરાશે. નીતિન પટેલ બાદ તેમણે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પણ મુલાકાત કરી હતી. ત્યાર બાદ તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે પણ મુલાકાત કરી હતી.

ગુજરાતના નવા વરાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર જિલ્લામાં વરસાદને કારણે અસર પામેલા 3 ગામોના અને પાણીમાં ફસાયેલા 35 જેટલા લોકોને તાત્કાલિક મદદ સહાય પહોંચાડી સલામત સ્થળે ખસેડવા અને એર લિફ્ટ કરવાની વ્યવસ્થા કરવા જામનગર જિલ્લા કલેકટર સાથે વાત કરીને સૂચનાઓ આપી છે.

રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કર્યા બાદ તેઓ અડાલજ સ્થિતિ દાદા ભગવાનના મંદિર પહોંચ્યા હતા અને દર્શન કર્યા હતા. આ અગાઉ નવા મુખ્યમંત્રી બનેલા ભૂપેન્દ્ર પટેલ કમલમથી જ સરકારી ગાડીમાં બેસી અને રાજભવન પહોંચ્યા હતા. ગાડીમાં આગળ ભૂપેન્દ્ર પટેલ પાછળ સીઆર પાટીલ બેઠા હતા. કમલમથી જ નવા મુખ્યમંત્રીને સરકારી ગાડીનો કાફલો મળી ગયો હતો. આ પ્રસંગે રૂપાણી ઉપરાંત પાટીલ, કેન્દ્રીય નિરીક્ષકો ભૂપેન્દ્ર યાદવ, નરેન્દ્રસિંહ તોમર, પ્રહલાદ જોશી તેમજ ભાજપના પ્રદેશ અગ્રણીઓ, સાંસદો વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.

આજે ગુજરાતના મુખ્યમંત્રીના શપથગ્રહણ સમારોહમાં કર્ણાટકના સીએમ બસાવરાજ બોમ્માઈ, ગોવાના સીએમ પ્રમોદ સાવંત, મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ અને આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા, આ ઉપરાંત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આવે તેવી સંભાવના છે. તે ઉપરાંત અમિત શાહ પણ આજે ખાસ ઉપસ્થિત રહેશે.

બીજા ધારાસભ્યોની જેમ ભૂપેન્દ્રભાઈ પણ કમલમની બેઠકમાં સામેલ થવા નીકળ્યા હતાં. તેઓ રસ્તામાં હતા ત્યારે ફોન આવ્યો કે તમને મોટી જવાબદારી સોંપાશે. કમલમમાં દાખલ થયા અને ધારાસભ્યોની પાંચમી લાઈનમાં જઇને બેસી ગયા. થોડી વાર પછી મંચ પરથી એલાન થયું કે ભૂપેન્દ્ર પટેલ સીએમ હશે. હવે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદ આવશે. ત્યારબાદ નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં કોને લેવા અને કોને પડતા મૂકવા તેનો શાહની હાજરીમાં નિર્ણય લેવાશે. અમિત શાહ નવા મંત્રીમંડળના લિસ્ટ સાથે જ આવશે અને અનઔપચારિક બેઠક મળશે. બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે અને નવા મંત્રી મંડળના નામોની મહોર લાગશે.

ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર થી બીજા ધારાસભ્ય મુખ્યમંત્રી સુધી પહોંચ્યા, અગાઉ આનંદીબેન પટેલ 2012 માં આ જ વિધાનસભા માંથી ચૂંટાયેલા હતા,2014 માં મુખ્યમંત્રી બન્યા હતા, બેન ના અનુગામી તરીકે ભુપેન્દ્ર પટેલ ને ઘાટલોડિયા ની ટિકિટ બેન ની ભલામણ થી આપવા માં આવી હતી, અને ભુપેન્દ્ર પટેલ પણ બેનની બેઠક પર ધારાસભ્ય પણ બન્યા અને બેન ની જેમ મુખ્યમંત્રી પણ મળ્યા.

 • મૂળ અમદાવાદના દરિયાપુર વિસ્તારની કડવાપોળમાં નાનપણમાં રહેતા હતા ભૂપેન્દ્ર પટેલ.
 • આજે પણ દરિયાપુર વિસ્તારમાં તો ભૂપેન્દ્રભાઈને લોકો ‘કડવાપોળના લાડકવાયા’ જ કહે છે.
 • 2017માં ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડ્યા
 • પહેલી જ વિધાનસભા ચૂંટણીમાં 1,17,750 મતની જંગી સરસાઈથી જીત્યા, જે ગુજરાતમાં સૌથી મોટી લીડ
 • ભૂપેન્દ્રભાઈ 1999-2000, 2004-05 સુધી મેમનગર નગરપાલિકાના ચેરમેન રહ્યા હતા.
 • તે પછી તેઓ 2010થી 2015 સુધી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સ્ટે. કમિટીના ચેરમેન રહ્યા હતા. આનંદીબેન પટેલના ખાસ છે ભૂપેન્દ્ર પટેલ
 • પોતાના મત વિસ્તારમાં અને પાર્ટીના કાર્યકરોમાં ‘દાદા’ના હુલામણા નામથી ઓળખાય છે ભૂપેન્દ્ર પટેલ.
 • જ્યારે ભૂપેન્દ્ર પટેલે 2015-17 દરમિયાન ઔડાના ચેરમેનનો અતિ મહત્ત્વપૂર્ણ હોદ્દો પણ સંભાળ્યો છે.
 • 15 જુલાઈ 1962ના રોજ જન્મેલા ભૂપેન્દ્ર પટેલનો અભ્યાસ ધો. 12 પાસ સુધીનો જ છે
 • વ્યવસાયે બિલ્ડર ભૂપેન્દ્ર પટેલ શીલજ વિસ્તારમાં કલ્હાર રોડ પરની આર્યમાન રેસિ.માં રહે છે
 • ઔડાના ચેરમેન તરીકે એસ.પી. રિંગ રોડને અડીને આવેલા વિસ્તારોમાં સૌથી મહત્ત્વની ભૂમિકા
 • 2017 પહેલાં આનંદીબેન ઘાટલોડિયાના ધારાસભ્ય હતા, જેમણે જતા-જતા તેમના વિશ્વાસુ ભૂપેન્દ્ર પટેલને ટિકિટ અપાવી હતી પોતાના મતવિસ્તારમાં મજબૂત લોકસંપર્ક ધરાવે છે ભૂપેન્દ્ર પટેલ
 • ભૂપેન્દ્ર પટેલ 2017માં વિધાનસભા ચૂંટણી લડ્યા તે સમયે ફાઈલ કરેલા એફિડેવિટ મુજબ રૂ. 5.20 કરોડની અસ્ક્યામતો ધરાવે છે.
 • ઔડાના ચેરમેન રહી ચૂકેલા ભૂપેન્દ્ર પટેલ વાહનોમાં આઈ-20 કાર અને એક્ટિવા ટુ-વ્હીલરની માલિકી ધરાવે છે.

 • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.