Home / News / રાજકોટમાં ભાજપનો : ઐતિહાસિક વિજય
રાજકોટમાં ભાજપનો : ઐતિહાસિક વિજય
વિજયભાઈ રૂપાણીને રીટર્ન ગીફટ આપતુ રાજકોટ: મહાનગર કમળમય
ગુજરાતની મહાપાલિકાની ચૂંટણીમાં એક અભૂતપૂર્વ રેકોર્ડ જેવા પરિણામમાં આજે રાજકોટમાં 18 વોર્ડ અને 72 બેઠકોમાંથી ભાજપે લગભગ કલીન સ્વીપની નજીક જઈને 17 વોર્ડની 68 બેઠકો જીતી લીધી છે અને હવે અંતિમ ચાર બેઠકોમાં પરિણામોની આશા રખાઈ છે. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે શહેરના એકમાત્ર વોર્ડ નં.15માં કોંગ્રેસને સફળતા મળી છે અને વિપક્ષના પુર્વ નેતા વશરામભાઈ સાગઠીયા અને તેની પેનલના સભ્યો વિજેતા બનતા મહાપાલિકામાં કોંગ્રેસનું પ્રતિક રહી જશે તેવા સંકેત છે. આજે સવારથી જ શરુ થયેલી મતગણતરીમાં પ્રારંભથી જ એક બાદ એક વોર્ડમાં ભાજપ પેનલ ટુ પેનલ વિજેતા જાહેર થવા પામ્યુ હતું. ચાલુ વર્ષે ભાજપે લવરમૂછીયા અને નવોદીત ઉમેદવાર ઉભા રાખ્યા હતા અને તેની સામે કોંગ્રેસના ધુરંધરો ધૂળ ખાતા નજરે ચડયા હતા. રાજકોટને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એક પણ સભા સંબોધી ન હતી. પરંતુ રાજકોટના મતદારોએ છેલ્લા સાડા ત્રણ વર્ષમાં મહાનગર માટે જે વિકાસકામો થયા છે તે માટે મુખ્યમંત્રીને રિટર્ન ભેટ આપી છે.
વોર્ડ ન.8માં ભાજપની પેનલ સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની ડિપોઝીટ ડુલ થઈ છે તે પણ એક નવો રેકોર્ડ બની જશે. શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર અને તેમની કેડરના મોટાભાગના નેતાઓ પરાજીત થયા છે. વોર્ડ નં.3માં કે જયાં ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલા અને તેની પેનલનું ભાવિ હાલ નિશ્ર્ચિત થઈ રહ્યું છે અને તેઓ પોતાનો વોર્ડ બચાવી શકશે કે કેમ તે પ્રશ્ર્ન છે. ભાજપના વિજેતામાં સ્ટે.કમીટીની પુર્વ ચેરમેન પુષ્કર પટેલ, પુર્વ કોર્પોરેટર દેવાંગ માંકડ, યુવા ભાજપના મહામંત્રી નેહલ શુકલ, પુર્વ ડે.મેયર દર્શીતાબેન શાહ તથા રાજકોટમાં યુવા ચહેરા તરીકે પ્રજા સામે પ્રસ્તુત કરાયેલા યુવા ભાજપના પ્રમુખ પ્રદીપ ડવ તથા મંત્રી પરેશ પીપળીયા ડો. દર્શનાબેન પંડયા, પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા સહિતના જાણીતા ચહેરાઓએ આસાન વિજય મેળવ્યો છે અને હવે આગામી દિવસોમાં રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ પુર્ણ કેસરીયુ નજરે ચડશે તે નિશ્ર્ચિત છે.
2015માં આખરી ઘડીની રસાકસીમાં જે રીતે 38/34 નો રેકોર્ડ બન્યો હતો તે પછી આ ચૂંટણીમાં કોંગ્રેસ બે આંકડે પણ પહોંચી શકી નથી તે નિશ્ચિત છે જયારે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયાના રાજકોટમાં જબરો રોડ શો છતાં પણ એકપણ વોર્ડમાં આમ આદમી પાર્ટી સારો દેખાવ કરી શકી નથી. રાજકોટના વિજયને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા શહેરને એઈમ્સથી લઈ એરપોર્ટ અને અનેક સુવિધાઓ સાથે જે સ્માર્ટ સીટી બનાવવાની જહેમત ઉઠાવી તેને યશ આપવામાં આવે છે. તે સાથે જ રાજકોટ મહાનગરપાલિકામાં પ્રથમ વખત વધુ યુવા ચહેરાઓ પણ નજરે ચડશે.