
માતાજીના માંડવામાં ધુણતા ભુવાનું હાર્ટ અટેકથી મોત
મોરબી, હાર્ટએટેકથી મોતના કિસ્સા હવે લોકોને ચોંકાવી રહ્યાં છે. ત્યારે હાર્ટ એટેકથી મોતના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. મોરબીના ટંકારા તાલુકાના રામપર ગામમાં માતાજીના માંડવામાં ધુણતા ભુવાનું હાર્ટ અટેકથી મોત નિપજ્યુ છે. ધુણતા ધુણતા જ સ્ટેજ ઉપર ભુવાનું મોત નિપજ્યાનો વિડીયો વાયરલ થયો છે. વધતા જતા હાર્ટ એટેકના બનાવની વચ્ચે ટંકારાની ઘટનાનો વીડિયો ડરામણો છે.
હાલના સમયમાં હાર્ટ એટેકના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. કોરોનાકાળ બાદ યુવાનોમાં હૃદયરોગના હુમલાથી મોતના અનેક કિસ્સા પ્રકાશમાં આવતા રહ્યા છે.
ત્યારે ગત રાત્રીના ટંકારાના રામપર ગામે માતાજીના માંડવામાં ભુવાને ધૂણતા ધૂણતા હૃદયરોગનો હુમલો આવતા મોત નિપજ્યું હતુ. નવાઈની વાત તો એ હતી કે ડાક-ડમરુ વાગતા હતા અને કોઈને ખબર પણ ન હતી કે ભુવાજીનું પ્રાણ પંખેરુ ઉડી ગયું છે. હાજર સૌને એવું જ હતું કે ભુવાજી ધ્યાનમાં બેઠા છે. આતો જ્યારે તેમને પાણી પીવડાવવા ગયા ત્યારે ખબર પડી કે ભુવાજીનું કરુણ મોત નિપજ્યું છે. હાલમાં હાર્ટએટેક કરતા હાર્ટ કેરેસના કેસ અમદાવાદમાં વધુ જોવા મળી રહ્યા છે.
નવરાત્રીમાં હાર્ટએટેકના કેસમાં વધારો થયો છે. ત્યારે અમદાવાદ મેડિકલ એસોસિયેશનના વાઈસ પ્રેસિડન્ટ ડો.મુકેશ મહેશ્વરીએ જણાવ્યું કે, હાર્ટએટેક માટે લોકોની લાઈફ સ્ટાઇલ અને વધુ પડતું સ્ટ્રેસ મુખ્ય કારણ છે. હાલમાં હાર્ટએટેક કરતા હાર્ટ કેરેસના કેસ વધુ જોવા મળી રહ્યા છે. હાર્ટ એટેક એટલે હાર્ટની ધમનીઓ કામ કરતી બંધ થઇ જવી, હાર્ટ કેરેસમાં એકાએક સંપૂર્ણ હાર્ટ કામ કરતુ બંધ થઇ જવું. પાછલા કેટલાક સમયમાં લોકો ગરબા રમતા કે ક્રિકેટ રમતા એકાએક હાર્ટ કેરેસનો શિકાર બન્યા છે. તેથી હૃદય સંબંધી સમસ્યાથી બચવાં સ્ટ્રેસ ટાળવો જોઈએ. કામની વચ્ચે બ્રેક લેવું જોઈએ.