સાવચેત રહેજો: સુરતમાં રોગચાળાએ માથું ઉચક્યું, બેડની અછત સર્જાતા નીચે ગાદલા પાથરી સારવાર અપાઈ
ડાયમંડ સીટી સુરતમાં છેલ્લા કેટલાક સમયથી રોગચાળો વધ્યો છે. જેના કારણે સુરત સિવિલમાં દર્દીઓની લાઈનો લાગી છે. ત્યારે દર્દીઓનો ઘસારો વધતા તેમને નીચે ગાદલાં પાથરી સારવાર આપવામા આવી રહી છે. જો કે હોસ્પિટલમાં બેડ ખૂટી પડતા દર્દીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
સુરતમાં છેલ્લા બે મહિનાથી રોગચાળો વધી રહ્યો છે. જેના કારણે છેલ્લા બે મહિનાથી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાગી હોવાનાં દૃશ્યો પણ સામે આવી ચૂક્યાં છે ત્યારે હવે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટેના વોર્ડમાં બેડ પણ ખૂટી પડ્યાં હોવાનું સામે આવ્યું છે. બેડ ખૂટી પડતા દર્દીઓને નીચે ગાદલાં મૂકી સારવાર કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ચોમાસા દરમિયાન વધેલા ઝાડા-ઊલટી, મેલેરિયા, ડેન્ગ્યૂ, ટાઈફોઈડ, કોલેરા સહિતના કેસને પગલે પાલિકાના આરોગ્ય વિભાગની આરોગ્યલક્ષી કામગીરીની પોલ ખૂલી ગઈ છે. શહેરના સ્લમ વિસ્તારોની હાલત દયનીય હોવાની બૂમ છે. બીજી બાજુ પાલિકા દ્વારા રોગચાળાને ડામવા સતત કામગીરી કરવામાં આવી રહી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ત્યારે ચોમાસા દરમિયાન રોગચાળાનો મરણાંક 35 ઉપર પહોંચી ગયો છે.