અમદાવાદના સાયન્સ સિટી ખાતે એક્વેટિક-રોબોટિક ગેલેરી અને નેચર પાર્કની મુખ્યમંત્રીએ મુલાકાત લીધી

ગુજરાત
ગુજરાત

PMના હસ્તે થશે ઉદ્ધાટન

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સવારે અમદાવાદ સાયન્સ સિટી ખાતે એક્વેટિક-રોબોટિક ગેલેરી અને નેચર પાર્કની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદ સાયન્સ સીટી ગુજરાત જ નહીં દેશ આખાનું આકર્ષણ છે. રાજ્યના બાળકો યુવાનોમાં વિજ્ઞાન પ્રત્યેની જીજ્ઞાસા ને વધુ પ્રબળ બનાવવા સરકાર કટિબદ્ધ છે. સાયન્સ સિટીમાં તૈયાર થનારા વિવિધ વિજ્ઞાન પ્રકલ્પો એ તરફના જ કદમ છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, અમદાવાદ સાયન્સ સીટીમાં 250 કરોડના ખર્ચે નિર્માણ પામનારી એક્વેટિક ગેલેરી દેશ અને રાજ્યના મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. મુખ્યમંત્રી રૂપાણીએ સાયન્સ સિટી ખાતે નિર્માણાધિન એક્વેટિક ગેલેરીમાં અંડરવોટર વોક-વે ટનલની મુલાકાત લીધી હતી. આ એક્વેટિક ગેલેરી રાજ્યના બાળકો અને યુવાનોની જિજ્ઞાસાને વધુ પ્રબળ બનાવશે તેવી આશા મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી. આ એક્વેટિક ગેલેરીમાં દુનિયાના વિવિધ મહાસાગરો, ઝોનમાંથી વિશિષ્ટ પ્રકારની માછલીઓ અને વિવિધ પ્રજાતિની માછલીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અમદાવાદના સાયન્સ સિટીમાં ટૂંક સમયમાં જ દેશની સૌથી મોટી એક્વેટિક ગેલેરી આકાર પામવા જઇ રહી છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ એક્વેટિક ગેલેરીનું આવનારા દિવસોમાં ઉદઘાટન કરાવીને રાજ્ય અને દેશના નાગરિકો માટે સમર્પિત કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યના દરેક જિલ્લામાં વિજ્ઞાાન કેન્દ્રો પણ વિકસાવવામાં આવશે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણી એ જણાવ્યું છે.

સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટના સચિવશ્રી હરિત શુક્લાએ સાયન્સ સિટીમાં તૈયાર થઇ રહેલ અને પ્રગતિમાં રહેલ મ્યુઝિકલ ફાઉન્ટેન, નવા થિયેટર, પ્લેનેટ અર્થ વિભાગ, એનર્જી પાર્ક, લાઈફ સાયન્સ વિભાગ અંગેની જાણકારી મુખ્યમંત્રીને આપી હતી. મુખ્યમંત્રીની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીના અગ્ર મુખ્ય સચિવ કે. કૈલાસનાથન,અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલે, સાયન્સ સિટીના ડાયરેક્ટર એસ.ડી.વોરા અને સાયન્સ સિટીના અઘિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.