
આણંદ-બોરસદ ચોકડી પાસે રેલવે ફ્લાયઓવર બ્રિજને ખુલ્લો મુકાયો
આણંદ-બોરસદ ચોકડી ખાતે રૂ.60.51 કરોડના ખર્ચે નિર્માણ પામેલા રેલવે ઓવરબ્રિજ અને આણંદ નગરપાલિકા વિસ્તારમાં રૂ.234.38 લાખના ખર્ચે નવનિર્મિત કોમ્યુનિટી હોલનું રાજ્યના આરોગ્ય અને કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયેલા મંત્રી ઋષિકેશ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં આણંદના લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મૂક્તિ મળે તે માટે નિર્માણ કરવામાં આવેલા રેલવે બ્રીજનું ઈ-લોકાર્પણ કરી આનંદ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યાં હોવાનું જણાવ્યું હતું.આ ઉપરાંત કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા લોકસુખાકારી માટે ગુજરાતમાં પ્રાથમિક સુવિધાની સાથે માળખાકિય સુવિધાઓ ઉપલબ્ધ બનાવી ગુજરાતના વિકાસ થકી દેશના વિકાસનું કાર્ય આરંભ્યુ છે.ત્યારે આ પ્રસંગે સાંસદ મિતેશભાઇ પટેલ આ ફ્લાયઓવર રેલ્વેબ્રિજના નિર્માણના કારણે આણંદના શહેરીજનોની વર્ષોજુની સમસ્યાનો અંત આવ્યો હોવાનું જણાવ્યુ હતું.આ કાર્યક્રમમાં આણંદના ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતુ કે શહેરના વિકાસ માટે આગામી સમયમાં તુલસી ટોકીઝ ગરનાળાથી હાઇવે ગેલોપ્સ સુધીના ફોરલાઇન રસ્તાના નિર્માણનું કાર્ય હાથ ધરાશે.જેથી વધુ એક વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાથી રાહત થશે.આ પ્રસંગે જિલ્લા કલેકટર ડી.એસ.ગઢવી,આણંદ પ્રાંત અધિકારી વિમલ બારોટ,આણંદ નગરપાલિકા પ્રમુખ રૂપલબેન પટેલ,પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ, રાષ્ટ્રીય ધોરી માર્ગ અને માર્ગમકાન વિભાગના અધિકારીઓ,નગરપાલિકાના સદસ્યો,અધિકારી,પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.