
આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેડૂતો માટે તાલીમ કાર્યક્રમ યોજાયો
આણંદ કૃષિ યુનિવર્સિટીના એગ્રોનોમી વિભાગ ખાતે કુલપતિ ડો.કે.બી.કથીરીયાના માર્ગદર્શન હેઠળ ખેડૂતો માટે પાંચ દિવસીય સજીવ ખેતી વિષયક તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.જે દરમિયાન આચાર્ય તેમજ વિદ્યાશાખાધ્યક્ષ ડો.વાય.એમ.શુક્લાએ ખેડૂતોને સજીવ ખેતીની જરૂરિયાત વિશે જાણકારી આપી તાલીમના મુખ્ય ઉદ્દેશ્ય વિશે સમજણ આપી હતી.જ્યારે વિવિધ વિષય નિષ્ણાતો દ્વારા સજીવ ખેતીના વિવિધ આયામો જેવાકે પોષણ વ્યવસ્થા,પાક સંરક્ષણ,ક્ષેત્રિય વ્યવસ્થાપન,પ્રાકૃતિક ખેતી, ગૌ-આધારિત ખેતી,સર્ટિફિકેશન પદ્ધતિ,બજાર વ્યવસ્થા,સજીવ ખેતીમાં આવતી મુશ્કેલીઓ અને તેના સમાધાન સહિતના વિષયોને આવરી લેવામાં આવ્યા હતા.જેથી કરીને ખેડૂતોમાં સજીવ ખેતી તરફનો અભિગમ વધે તેમજ તેઓ રસાયણમુક્ત અનાજ,શાકભાજી,ફળ વગેરેનું ગુણવત્તાયુક્ત ઉત્પાદન કરી વધુ આર્થિક વળતર મેળવી શકે.આ કાર્યક્રમ દરમિયાન તાલિમાર્થીઓને આણંદની આસપાસના સજીવ ખેતી સાથે સંકળાયેલા પ્રગતિશીલ ખેડૂતોની તેમજ એગ્રોનોમી વિભાગ દ્વારા ફાર્મ ઉપર કરવામાં આવેલ સજીવ ખેતીના સંશોધનોની રૂબરૂ મુલાકાત લેવડાવી સજીવ ખેતી વિશે વિસ્તૃત જાણકારી તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.આમ આ તાલીમમાં આંણદ સહિત વડોદરા,ખેડા તેમજ મહેસાણા જિલ્લાના સજીવ ખેતીમાં રસ ધરાવતા ખેડૂત તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો.