દીકરીએ ભાગીને લગ્ન કર્યા અને બાળક પણ થયું તેમ છતાં પરિવારે ન સ્વીકારી
અમદાવાદ, પરિવારની વિરુદ્ધ જઈ લગ્ન કરનારી દીકરીના પતિ સામે અપહરણ, બળાત્કાર તેમજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી માતા પોતાને જ ફસાઈ હતી. આ મામલો છેક હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો અને ફરિયાદી માતાને નોટિસ ઈશ્યૂ કરવામાં આવી હતી, જો કે તે હાજર રહી નહોતી. સમગ્ર કિસ્સાની વાત કરીએ તો, સ્થાનિક અખબાર નવગુજરાત સમયના અહેવાલ પ્રમાણે શહેરના પૂર્વ ભાગમાં આવેલા નિકોલ વિસ્તારમાં રહેતી માયાને (ઓળખ છુપાવવા નામ બદલ્યું છે) ૨૨ વર્ષીય પિંટુ તલસાણિયા સાથે પ્રેમ થયો હતો, તે સમયે માયાની ઉંમર ૧૭ વર્ષ હતી.
તેણે પિંટુ સાથે લગ્ન કરવાની જીદ પકડી હતી પરંતુ સગીરા હોવાના કારણે પરિવાર આ માટે રાજી નહોતો. તેથી, માર્ચ ૨૦૨૨માં રોમા અને પિંટુ ઘરેથી ભાગી ગયા હતા. માતાએ તરત જ નિકોલ પોલીસ સ્ટેશનમાં પિંટુ સામે અપહરણ, બળાત્કાર અને પોક્સો સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. પોલીસની ટીમે તરત જ ચક્રગતિમાન કર્યા હતા અને ગણતરીના કલાકોમાં પિંટુને ઝડપી લીધો હતો. આ દરમિયાન પરિવારે માયાને સ્કૂલેથી જ પકડી હતી. તે ૧૬ માર્ચે ભાગી ગઈ હતી અને કયાં હતી તે વિશે જાણ નહોતી.
તેથી, માયાની માતા તેની સ્કૂલમાં ગઈ હતી અને પ્રિન્સિપાલને માયા ધોરણ ૧૨મી રિસિપ્ટ લેવા આવે તો જાણ કરવા વિનંતી કરી હતી. ૨૨ માર્ચે માયા જ્યારે રિસિપ્ટ લેવા ગઈ તો પ્રિન્સિપાલે ગમે તેમ કરીને તેને રોકી રાખી હતી અને પરિવારના સભ્યોને ફોન કર્યો હતો. તેઓ તરત જ ત્યાં આવ્યા હતા અને ઘરે લઈ ગયા હતા. બીજી તરફ, પિંટુને કોર્ટે ૨૫ માર્ચ ૨૦૨૨ના રોજ જેલમાં મોકલ્યો હતો. આ દરમિયાન માયા ૧૮ વર્ષની થઈ હતી. પિંટુ જેવો જામીન પર મુક્ત થયો કે ફરીથી માયા અને તે ભાગી ગયા હતા અને કોર્ટ મેરેજ કરી લીધા હતા
. લગ્નજીવનના થોડા સમયમાં જ માયાએ બાળકને જન્મ આપ્યો હતો. તેમ છતાં તેનો પરિવાર આ સંબંધોને સ્વીકારવા માટે રાજી થયો નહોતો. પિંટુએ વકીલ મારફતે ક્વોશિંગ પિટિશન ફાઈલ કરી હતી. જેમાં માયા અને તેણે લગ્ન કરી લીધા છે, તેમનું બાળક પણ આવી ગયું છે ત્યારે જે ફરિયાદ છે તે ખોટી રીતે નોંધવામાં આવી છે અને તેને રદ્દ કરવી જોઈએ તેવી અરજી કરી હતી. માયાના વકીલે પણ ફરિયાદ રદ્દ કરવામાં આવે તો વાંધો નથી તેમ કહ્યું હતું અને એફિડેવિટ રજૂ કર્યું હતું. હાઈકોર્ટે ફરિયાદી માતાને ઈશ્યૂ નોટિસ કરી હતી પરંતુ તે હાજર ન રહેતા ફરિયાદ રદ્દ કરવામાં આવી હતી.