
અમદાવાદીઓ પાણીમાં! શહેરમાં ભારે વરસાદથી જાહેર રસ્તાઓ પર ભરાયા કેડસમા પાણી, ઓઢવમાં 6 ઇંચ વરસાદ
વરસાદી સિસ્ટમના કારણે સમગ્ર ગુજરાતમાં ચોમાસુ સક્રિય થયું છે. ગઇકાલથી અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે. સવારથી વરસાદ પડી રહ્યો છે. અમદાવાદના ઓઢવમાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતાં વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન થયા છે. સવારથી અત્યાર સુધીમાં ગુજરાતના 173 તાલુકામાં વરસાદ નોંધાયો છે. પંચમહાલના શહેરામાં સૌથી વધુ 9 ઈંચ વરસાદ વરસ્યો છે. એટલું જ નહીં મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ વરસ્યો છે.હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેના કારણે શહેરના રોડ રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. હવે અમદાવાદમાં પડેલા વરસાદની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં સરેરાશ 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. જેમાં વિસ્તારવાર વાત કરીએ તો ઓઢવમાં 6 ઈંચ, વિરાટનગરમાં 5.5 ઈંચ વરસાદ, મેમ્કો, નરોડા, રાણીપમાં 5-5 ઈંચ વરસાદ વરસ્યો, ચાંદલોડિયા, નિકોલ, દુધેશ્વરમાં 4.5 ઈંચ વરસાદ, ઉસ્માનપુરા, ચાંદખેડા, કઠવાડામાં 4-4 ઈંચ વરસાદ અને રામોલ, સાયન્સ સિટી, પાલડીમાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો છે.