અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એલિસબ્રિજ અને વટવા વિસ્તારમાંથી લાખો રૂપિયાની કિંમતનું ડ્રગ્સ ઝડપી 3 પેડલરોની ધરપકડ કરી
અમદાવાદ પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે, નશન કાળા કારોબાર ને અટકાવવા માટે તત્પર પોલીસ વિભાગ ની કામગીરી સામે આવી છે જેમાં, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે વિસ્તારમાંથી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા એલિસબ્રિજ અને વટવા વિસ્તારમાંથી લાખો રૂપિયાની કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી ત્રણ પેડલરોની ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીઓ લાંબા સમયથી મધ્યપ્રદેશથી ડ્રગ્સ લાવી અમદાવાદમાં છૂટક વેચાણ કરતા હતા તે વાત પણ તપાસ માં બહાર આવી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફૈસલ છીપા, અનીશ છીપા તેમજ મહંમદ આરીફ શેખની ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે. ગુજરાત રાજ્યમાં હાલ ડ્રગ્સ સામે પોલીસની લડત ચાલી રહી છે તેવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ ડ્રગ્સને પકડવાનું કામ કરી રહી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન માહિતીના આધારે એલિસબ્રિજ પાસેથી ફૈસલ છીપા અને અનીશ છીપાને એક્ટિવા પર ડ્રગ્સ લઈ જતા પકડી પાડ્યા હતા. તેઓની પાસેથી 49.570 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચ એ બંને યુવકોની પૂછપરછ કરતા તે આ ડ્રગ્સ વટવાના મોહમ્મદ આરીફ શેખ નામના વ્યક્તિ પાસેથી મેળવ્યું હોવાની કબુલાત કરી હતી. જેથી ક્રાઈમ બ્રાન્ચે વટવામાં નૂર નગર સોસાયટીમાં તપાસ કરતા ત્યાંથી મોહમ્મદ આરીફ શેખ મળી આવ્યો હતો. તેના ઘરમાં સર્ચ કરવામાં આવતા 9 લાખથી વધુની કિંમતનો 93.760 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યો હતો. જેથી કુલ મળીને 14 લાખ 33 હજારથી વધુની કિંમતનો 143.33 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યા ત્રણેય આરોપીઓની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરાઈ છે. ત્રણેય આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચે પૂછપરછ કરતાં સામે આવ્યું કે પકડાયેલા આરોપીઓ ઓટો રીક્ષા ચલાવવાનું અને કપડાને ઈસ્ત્રી કરવાનું કામ કરે છે.
પોલીસ દ્વારા પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે, આરોપીઓને ઓછા સમયમાં વધુ પૈસા કમાવવાની લાલચ હોય તેઓએ મધ્યપ્રદેશમાં લાલા નામના વ્યક્તિ પાસેથી ડ્રગ્સ લાવીને અમદાવાદમાં છૂટક વેચાણ શરૂ કર્યું હતું. છેલ્લા એક વર્ષથી ત્રણેય આરોપીઓ ડ્રગ્સનો વેપાર કરતા હોય એવામાં ક્રાઈમ બ્રાન્ચે ગુનામાં સામેલ અને આરોપીની શોધખોળ હાથ ધરી છે. સાથે જ પકડાયેલા આરોપીઓના ગ્રાહકો સહિતની બાબતે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.