
આગામી બે દિવસ અમરોલી-કોસાડ વિસ્તારમાં પાણી પુરવઠો ખોરવાશે
સુરત પાલિકાના કતારગામ ઝોન વિસ્તારમાં પાણીની લાઈનની કામગીરી આગામી બે દિવસ ચાલવાની હોવાથી બુધવાર અને ગુરુવારે કોસાડના અનેક વિસ્તારમાં પાણી પુરવઠો ખોટકાશે.આ દિવસ દરમિયાન કોસાડ વિસ્તારના લોકોને કરકસરપૂર્વક પાણીનો ઉપયોગ કરવા તેમજ જરૂરિયાત પૂરતા પાણીનો સંગ્રહ કરવા પાલિકા તંત્રએ અપીલ કરી છે.આમ આ કામગીરીના પગલે આગામી 8 અને 9 ફેબ્રુઆરીના રોજ કોસાડ વિસ્તારમાં રાઈઝીંગ લાઈન પર વાલ્વ મુકવાની કામગીરી કરવામાં આવશે.આ ઉપરાંત બાયપાસ લાઈન પર લીકેજ રીપેરીંગની કામગીરી પણ હાથ ધરવામાં આવશે.8 ફેબ્રુઆરીના રોજ અમરોલી સાયણ મેઈન રોડની આસપાસનો વિસ્તાર,સૃષ્ટિ સોસાયટી વિ-1,2 અને 3ની આસપાસની સોસાયટી વિસ્તારમાં પાણી પુરવઠો મળશે નહીં.આ ઉપરાંત કોસાડ ગામતળ તથા આસપાસનો વિસ્તાર તથા કોસાડ રજવાડી પ્લોટની આસપાસનો વિસ્તાર જેવાકે જુનો કોસાડ રોડ,નવો કોસાડ રોડ,ક્રોસ રોડ,સત્તાધાર ચોકડીનો વિસ્તાર તેમજ કોસાડ વિસ્તારમાં પાણી પુરવઠો મળશે નહીં અથવા ઓછા દબાણથી મળશે.