ટામેટા બાદ હવે ડુંગળી રડાવશે, ૪ દિવસમાં ભાવ વધી ગયો
અમદાવાદ, જો ડુંગળીના હોલસેલ રેટની વાત કરીએ તો, તેની કિંમતમાં ૨૫ ટકાનો વધારો થયો છે. ડુંગળીની સૌથી મોટી માર્કેટ લાસલગાંવમાં શુક્રવારે તેના રેટ ૧૩૦૦ રૂપિયા ક્વિન્ટલે પહોંચી ગયા હતા. ત્યારે આવા સમયે દુકાનદારોનું કહેવું છેકે આવનારા દિવસોમાં ડુંગળીના ભાવ હજુ પણ વધશે. ૨૭ જૂને નાસિક મંડીમાં ડુંગળીના સરેરાશ ભાવ ૧૨૦૧ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતા, તો વળી બીજા દિવસ તેની કિંમતમાં ૭૯ રૂપિયાનો વધારો થયો.
આવી જ રીતે ૨૮ જૂને ડુંગળીના ભાવ વધીને ૧૨૮૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયા. તો વળી ૨૯ જૂને ડુંગળીના રેટ ૧૨૮૦થી વધીને ૧૩૦૦ રૂપિયા થઈ ગયા હતા. ટામેટા બાદ ડુંગળી મોંઘી થવા પર સામાન્ય જનતા પરેશાન થઈ ગઈ છે. લોકોનું કહેવું છે કે, આવી જ રીતે ડુંગળી, ટામેટા અને લીલા શાકભાજીના ભાવ વધતા રહ્યા તો, આવનારા દિવસોમાં ખાવાના ફાંફા પડી જશે.
આપને જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર સહિત રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ડુંગળીમાં બંપર ઉત્પાદન થયું છે. ગત ફેબ્રુઆરી મહિના દરમ્યાન તેના ભાવ નીચે આવવાથી ખેડૂતોનો ખર્ચો પણ નીકળ્યો નહોતો. મંડીમાં ડુંગળી ૧થી ૨ રૂપિયે કિલો વેચાવા લાગી હતી. ત્યારે આવા સમયે ખેડૂતોએ રસ્તા પર ડુંગળી ફેંકી દીધી હતી.