ઊંઝાના ઊમિયા મંદિરે 200 લોકોની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે આરતી

ગુજરાત
ગુજરાત

શક્તિની ભક્તિ અને આરાધનાના મહાપર્વ નવરાત્રિની ઊંઝા સ્થિત ઊમિયા માતાજીના મંદિરે કોવિડ ગાઇડ લાઇનના ચુસ્ત અમલ સાથે પરંપરાગત ઊજવણી કરાઇ રહી છે. મંદિરના ચાચરચોકમાં મા ઉમાની માંડવીની સ્થાપના કરાઇ છે. અહીં સરકારની સૂચના મુજબ એક કલાકના સમયમાં મા ઊમિયાજીની આરતી બાદ પરંપરાની જાળવણી માટે પાંચ ગરબાના પાંચ રાઉન્ડ લગાવવામાં આવે છે.

માંડવી આસપાસ 200 કુંડાળામાં લોકો ઊભા રહે છે
આરતી સમયે શ્રદ્ધાળુઓની ભીડ ન થાય તે માટે ખાસ ધ્યાન રખાય છે. મંદિર સંસ્થાન દ્વારા માંડવી સન્મુખ 200 કુંડાળાં કરવામાં આવ્યા છે. જેથી આરતી સમયે 200 લોકોને જ પ્રવેશ અપાય છે. પ્રવેશ પહેલાં હેન્ડવૉશ અને સેનિટાઇઝેશન અને માસ્ક ફરજિયાત પહેરાવાય છે. નવરાત્રિને લઇ મંદિરને રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવ્યું છે.

વૈશ્વિક મહામારી કોરોનાને કારણે નવરાત્રિના પવિત્ર તહેવારમાં ગરબા પર પ્રતિંબધ મૂકાયો છે. ત્યારે વિશ્વભરમાં પથરાયેલા મા ઊમિયાના ભક્તોની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર એવા જગતજનની ઊમિયા માતાજી મંદિર ઊંઝાથી મા ઊમિયાની આરતીનું તા.17 ઓક્ટોબરથી તા.25 ઓક્ટોબરને રવિવાર સુધી રોજ રાત્રે 9:00 વાગ્યાથી જીવંત પ્રસારણ સંસ્થાની ઓફિશિયલ સોશિયલ મીડિયા youtube અને facebook ચેનલ UMIYA MATAJI UNJHA પરથી કરવામાં આવે છે.

હિમાલયના રાજા દક્ષે શિવજીને અપમાનિત કરવા બૃહસ્પતિષ્ક ગામના યજ્ઞમાં તમામ દેવોને આમંત્રણ આપ્યું પણ જમાઈ શિવજીને ન આપ્યું. સતીને યજ્ઞની જાણ થતાં આમંત્રણ ન હોવા છતાં પહોંચી જાય છે એ વખતે માતા વિરીણી સિવાય કોઈએ આવકાર ન આપ્યો. ઉલ્ટુ, દક્ષે શિવજી વિશે અપમાનજનક ઉચ્ચારણો કર્યા. પતિનું અપમાન સહન ન થતાં સતી યજ્ઞકુંડમાં કૂદી પડ્યાં. ક્રોધાયમાન શિવજીએ સતીનો દેહ ખભે મૂકી તાંડવ કર્યું. શિવજીના ક્રોધથી સમગ્ર સૃષ્ટિ ખળભળી ઊઠી. શિવજીને શાંત કરવા ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી સતીના દેહના બાવન ટુકડા કર્યા. એ દેહનો ભાગ જ્યાં પડ્યો તે શક્તિપીઠ તરીકે ઓળખાયું.

ઉમા તરીકે બીજો અવતાર
સતીનો બીજો અવતાર હિમાલય અને મેનાની પુત્રી ઉમા તરીકે થયો. તે શિવને પતિ તરીકે આરાધે છે. આ બાજુ સૃષ્ટી પર તારકાસુરે આતંક મચાવ્યો. શિવપુત્રથી જ તારકાસુરનો વિનાશ થશે તેવું તેને વરદાન હોઇ સર્વ દેવતાઓ શિવજીને લગ્ન માટે વિનંતી કરી અને હિમાલય પુત્રી ઉમા સાથે લગ્ન થયાં. છે. તેમના પુત્ર કાર્તિકે દેવોના સેનાપતિ બની તારકાસુરનો વધ કર્યો.

કાળવહન સાથે દંડકારણ્યમાં અસુરોએ ઋષિ-મુનિઓના યજ્ઞ અને તપો ભંગ કરી આતંક મચાવ્યો. ઋષિ-મુનિઓની સ્તુતિ બાદ શિવજીએ પ્રગટ થઇ અસુરોનો નાશ કરવાનું આશ્વાસન આપ્યું. બાદમાં ભગવાન શિવજી દંડકારણ્ય (આજનું ઊંઝા)માં અસુરોનો સંહાર કરવા આવ્યા ત્યારે સાથે મા ઉમા પણ હતાં. શિવજી મા ઉમાને સરસ્વતી નદીના કિનારે મૂકી અસુરો પાછળ ગયા, ત્યારે એકલા હોઇ મા ઉમાએ સરસ્વતી કિનારે માટીનાં બાવન પૂતળાં બનાવ્યાં. શિવજી અસુરોનો વિનાશ કરી પરત આવ્યા ત્યારે માટીના પૂતળાંનાં વખાણ કર્યાં અને મા ઉમાના આગ્રહથી શિવજીએ તમામ બાવન પૂતળાંને સજીવન કર્યાં. આ બાવન પુરુષો એ કડવા પાટીદારોની બાવન શાખના આદિપુરુષો. મા ઉમાએ તેમને પ્રગટ કર્યા હોઇ તે કુળદેવીરૂપે પ્રસ્થાપિત થયાં. મા ઉમાના નામ ઉપરથી ઉમાપુર (આજનું ઊંઝા)ની સ્થાપના કરી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.