રાજકોટમાં કંપનીના માલિકોને કારણે કર્મીએ કર્યો આપઘાત

ગુજરાત
ગુજરાત

રાજકોટ, ૪૪ વર્ષીય હરેશ હેરભા નામના વ્યક્તિએ કોઠારીયા મેઈન રોડ પર આવેલા સીતારામ સોસાયટી ખાતે પોતાના રહેણાંક મકાન ખાતે રવિવારના રોજ સવારના આઠ વાગ્યા પૂર્વે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે સમગ્ર મામલે મૃતકના નાના ભાઈ દીપક હેરભા (ઉવ.૩૭) દ્વારા ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી ૩૦૬ ૧૧૪ અંતર્ગત અમૂલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કારખાનાના માલિક સુરેશ સંતોકી, નિતીન સંતોકી તથા ભાગીદારો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસને આપેલી ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું છે કે, મૃતક હરેશ હેરભા જીઆઇડીસીમાં આવેલા અમુલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ નામના કારખાનામાં લેથ મશીન ઉપર મજૂરી કામ કરતા હતા.

તેમજ છેલ્લા એક વર્ષથી કારખાનામાં કામ કરવા છતાં એક વર્ષનો પગાર કારખાનાના માલિક દ્વારા ચૂકવવામાં નહતો આવ્યો. તેમજ પગારની માંગણી કરતા મૃતક તેમજ કારખાનામાં કામ કરનારા અન્ય કારીગરો તેમજ કામદારોને તમિલનાડુના વેલુર જિલ્લાના રાનીપેટ ખાતે આવેલા અમુલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડની બીજી બ્રાન્ચમાં બદલી કરી નાખી હતી. ત્યારે સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે મોટી સંખ્યામાં મૃતકની સાથે કામ કરનારા સાથી કર્મચારીઓ પણ એકઠા થયા હતા. ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં ૩૦ મહિનાથી પીએફની રકમ તેમજ બે મહિનાથી પગાર બાકી હોવાનું જણાવ્યું હતું.

તેમજ અગાઉ વિક્રમ બકુત્રા અને અનિલ વેગડા નામના કર્મચારીઓએ પણ આ જ કારણોસર આત્મહત્યા કરી લીધી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આમ હરેશ હેરભા સહિત કુલ ત્રણ કર્મચારીઓએ અત્યાર સુધીમાં આત્મહત્યા કરી લીધી હોવાનું પણ સામે આવ્યું છે. મૃતક હરેશ દ્વારા સુસાઇડ નોટ પણ લખવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જેમાં તેણે લખ્યું છે કે, પરમ પૂજ્ય બાપુજી તથા ઉમિયા તથા દિપક ડિમ્પલ પ્રતીક્ષા નિષ્ઠા દેવેન મને માફ કરજો મારાથી ભૂલમાં કંઈ કહેવાય ગયું હોય તો. મારા મરવાનું કારણ એક જ છે એના જવાબદાર અમુલ ઇન્ડસ્ટ્રીઝના માલિક સુરેશભાઈ સંતોકી અને નીતિન સંતોકી અને એના ભાગીદાર છે. બસ મને માફ કરશો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.