અમેરિકન સિટીઝન બની ગયેલા ગુજરાતીને મળી પટેલ હોવાની સજા

ગુજરાત
ગુજરાત

અમદાવાદ, ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૯નો તે દિવસ હતો, અમેરિકાના ફ્લોરિડામાં રહેતા સંદીપ પટેલના ઘરની ડોરબેલ વાગી ત્યારે તેમને સવાલ થયો હતો કે આ સમયે વળી ઘરે કોણ આવ્યું હશે? તે વખતે સંદીપ પટેલના પત્ની પણ ઘરે જ હાજર હતા, અને જ્યારે દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે બારણે પોલીસને ઉભેલી જોઈને સંદીપ પટેલ તેમજ તેમના પત્ની બંનેને મોટો આંચકો લાગ્યો હતો. જોકે, આ તો હજુ શરૂઆત જ હતી, સંદીપ પટેલને જ્યારે પોલીસે તેમનું અરેસ્ટ વોરન્ટ બતાવ્યું ત્યારે અમેરિકામાં ફેમિલી સાથે રહેતા આ સીધાસાદા ગુજરાતીના હોશ ઉડી ગયા હતા. ૧૯૯૦ના અરસામાં ગુજરાતથી અમેરિકા ગયેલા અને પાછળથી ત્યાંના જ સિટીઝન બની ગયેલા સંદીપ પટેલને જિંદગીમાં કયારેય પોલીસ સ્ટેશનનું પગથીયું ચઢવાનો વારો નહોતો આવ્યો,

પરંતુ ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૯ના દિવસે પોલીસ તેમની ધરપકડ કરવા તેમના જ ઘરે પહોંચી હતી. જ્યારે સંદીપ પટેલે પોતાનો ગુનો શું છે તે સવાલ કર્યો ત્યારે પોલીસનો જવાબ સાંભળીને તેમજ અરેસ્ટ વોરન્ટમાં પોતાની ધરપકડનું કારણ વાંચીને સંદીપ પટેલના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, તેમને એક સમયે તો એવું જ લાગ્યું હતું કે અમેરિકામાં આટલા વર્ષોની મહેનત બાદ તેમણે જે કંઈ ઈજ્જત કમાઈ હતી તે જાણે એક જ સેકન્ડમાં બરબાદ થઈ ગઈ. ૪૭ વર્ષના સંદીપ પટેલ પર આરોપ હતો કે તેમણે ૧૯ નવેમ્બર ૨૦૧૮માં ફ્લોરિડાના સ્ટૂઅર્ટ સિટીમાં ચાલતા એક સ્પાની મુલાકાત લીધી હતી, ત્યાં તેમણે પૈસા ચૂકવીને સ્પામાં કામ કરતી કોઈ મહિલા સાથે શરીર સુખ માણ્યું હતું. પત્નીની સામે જ પોલીસે પોતાના પર આવો હલકી કક્ષાનો આરોપ લગાવતા સંદીપ પટેલની હાલત તે વખતે કાપો તો પણ લોહી ના નીકળે તેવી થઈ ગઈ હતી. પોતાના પર લાગેલા આરોપ પર સફાઈ આપતા સંદીપ પટેલે એવો દાવો પણ કર્યો હતો કે ૧૯ નવેમ્બર ૨૦૧૮ના રોજ તો તે ફ્લોરિડામાં હતા જ નહીં.

જોકે, અરેસ્ટ વોરન્ટ લઈને સંદીપ પટેલના ઘરે પહોંચેલી પોલીસ તેમની કોઈ વાત માનવા તૈયાર નહોતી, ઉલ્ટાનું પોલીસનો તો એવો પણ દાવો હતો કે તેની પાસે સંદીપ પટેલ તે દિવસે સ્પામાં ગયા હતા તેના પુરાવા પણ છે. પોલીસ આખરે કયા પુરાવાના આધારે પોતાના પર આટલો મોટો આરોપ મૂકી રહી છે તે જાણવા માટે પણ સંદીપ પટેલે પ્રયાસ કર્યા હતા. ત્યારે પોલીસે તેમને જણાવ્યું હતું કે ૧૯ નવેમ્બરના દિવસે તેમની બ્લૂ કલરની પોર્શા કાર સ્પાના પાર્િંકગ લોટમાં પડી હતી, તેમજ સીસીટીવીમાં પણ તેમનો ચહેરો જોવા મળ્યો છે. પોલીસે જ્યારે પોતાની પાસે સંદીપ પટેલનો વિડીયો હોવાની વાત કરી ત્યારે તેમની પત્ની એકદમ ભાંગી પડી હતી. તેને પોતાનો પતિ આવું કરી શકે તે વાત પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો, પરંતુ પોલીસે વિડીયો હોવાનો દાવો કરતાં સંદીપ પટેલને એ જ નહોતું સમજાઈ રહ્યું કે આ બધું કઈ રીતે થયું અને પોતે પત્નીને આ અંગે કઈ રીતે સફાઈ આપે? સંદીપ પટેલે ત્યારે પોલીસને એવું પણ કહ્યું હતું કે તેમનાથી કોઈ ગેરસમજ થઈ ગઈ લાગે છે, કારણકે તેમની પાસે તો કોઈ બ્લૂ કલરની પોર્શા કાર છે જ નહીં.

જોકે, સંદીપ પટેલની કોઈ દલીલ ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૯ના દિવસે કામ નહોતી લાગી અને આખરે તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. ફ્લોરિડામાં પોતાના બે બિઝનેસ ધરાવતા તેમજ પત્ની અને બે દીકરી સાથે વર્ષોથી જેનસેન બીચમાં રહેતા સંદીપ પટેલની ધરપકડ થતાં જ મીડિયામાં તેમનું નામ ચગ્યું હતું, અને ગણતરીના સમયમાં જ તેમની વર્ષોની મહેનત અને પ્રતિષ્ઠા ધૂળધાણી થઈ ગયા હતા. સંદીપ પટેલ નિર્દોષ હતા, તેમના પર જે આરોપ લાગ્યા હતા તેવું હલકું કૃત્ય તેમણે જિંદગીમાં કયારેય નહોતું કર્યું, પરંતુ તેમની વાત માનવા માટે કોઈ તૈયાર જ નહોતું. પોતાના પર લાગેલું આ કલંક ભૂસવા માટે સંદીપ પટેલે આખરે એક વકીલ રોકયો હતો..

પોલીસે જે બ્લૂ પોર્શા કાર અને સીસીટીવી ફુટેજને પુરાવા તરીકે રજૂ કર્યા હતા તેની પણ પૂરી તપાસ કરાવી હતી અને ત્યારબાદ ગણતરીના દિવસોમાં જ પોલીસને પણ પોતાનાથી મોટી ભૂલ થઈ ગઈ હોવાનો અહેસાસ થયો હતો, પરંતુ ત્યાં સુધીમાં તો સંદીપ પટેલનું નામ આખાય ફ્લોરિડામાં ચગી ચૂકયું હતું. આ કેસમાં થયું કંઈક એવું હતું કે પોલીસને જે બ્લૂ કલરની પોર્શા કાર સ્પાના પાર્િંકગમાં મળી હતી તે ખરેખર તો એક મહિના નામે રજિસ્ટર્ડ હતી અને તેની અટક પણ પટેલ જ હતી. આ સિવાય પોલીસે જે સીસીટીવી ફુટેજમાં સંદીપ પટેલ દેખાતા હોવાનો દાવો કર્યો હતો તેમાં ખરેખર તે નહીં પણ તેમના જેવો જ દેખાતો બીજો એક વ્યક્તિ હતો. જોકે, આ હકીકત બહાર આવી તે પહેલા સંદીપ પટેલને થોડા દિવસ લોકઅપમાં પણ રહેવું પડયું હતું,

અને તેમનું નામ મીડિયામાં પણ ચગ્યું હતું. સંદીપ પટેલની આ કેસમાં ખોટી ધરપકડ થઈ ગઈ છે તે વાતનું પોલીસને ભાન થતાં જ તેમની સામેનો કેસ પાછો ખેંચવાની તૈયારી કરાઈ હતી, અને આ દરમિયાન ૦૫ માર્ચના રોજ સંદીપ પટેલે પોતાના વકીલની જ ઓફિસમાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને પોલીસની ભૂલને કારણે પોતાને કેટલું ભોગવવું પડયું તેનું વર્ણન કર્યું હતું. પોતાનો પક્ષ રજૂ કરતાં-કરતાં સંદીપ પટેલ આ પ્રેસ કોન્ફરન્સમાં રડી પડયા હતા, અને તેમણે એટલું જ કહ્યું હતું કે તમે કરોડપતિ હોઈ શકો, પરંતુ ઈજ્જત અને ચારિત્ર્ય વિના બધું જ નકામું છે. મારા પરિવારને શરમજનક સ્થિતિમાં મૂકાવું પડે તેવું કોઈ કૃત્ય હું કરૂં તો મારી દીકરીઓ સાથે લગ્ન કોણ કરશે? તેમની પત્નીએ પણ તે વખતે એવો દાવો કર્યો હતો કે તેમને પટેલ હોવાની સજા મળી છે. સંદીપ પટેલના વકીલે તે વખતે ફ્લોરિડાની માર્ટિન કાઉન્ટી શેરીફ ઓફિસ પર કાયદાકીય કાર્યવાહી કરવાની પણ જાહેરાત કરી હતી, પરંતુ ખરેખર આવું કંઈ થઈ શકયું કે કેમ તેની કોઈ વિગતો ખાસ્સી શોધખોળ કર્યા બાદ નથી મળી શકી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.