
સુરતમાં 10 વર્ષના કોમળ બાળક પર તેજ ચપ્પા વડે હુમલો
સુરતના પાંડેસરા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં બાળકને જાનથી મારી નાખવાનો પ્રયાસ એક બાળક દ્વારા જ થયો છે. હુમલાખોર પણ એક 13 વર્ષનો બાળક છે જેણે ઈજાગ્રસ્ત 10 વર્ષના બાળકને ચપ્પુનો ઘા ઝીકી દેતા બાળકની હાલત નાજુક બની છે. લોહીલુહાણ હાલતમાં બાળકને તાત્કાલિક સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો છે.
ઈજાગ્રસ્ત બાળકનું નામ આદિત્ય કુલદીપ શર્મા છે.જે પાંડેસરા વિસ્તારમાં આવેલ તેરેનામ ચોકડી પાસે જય અંબેનગરમાં રહે છે. વેલ્ડર કુલદીપ શર્માનું નિવેદન લઈ પાંડેસરા પોલીસે ઘટનાની આગળની તપાસ હાથધરી છે.
સુરતના પાંડેસરા વિસ્તારમાં આ ઘટના બની છે. બાળકો વચ્ચેના ઝગડામાં મારામારી થઈ હતી. તકરારમાં 13 વર્ષના બાળકે 10 વર્ષના કિશોરને ચપ્પુ માર્યું હતું. તકરાર પ્રેમ પ્રકરણની હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. પરિચિત છોકરી સાથે વાતચીત કરવા જેવી નાનકડી બાબતમાં ઘટનાને અંજામ અપાયો હતો.પાંડેસરા પોલીસે ચપ્પુનો ઘા ઝિકનાર 13 વર્ષીય એક કિશોરની અટકાયત કરી છે.