CMની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય, સાયક્લોટ્રોન પ્રોજેક્ટ શરૂ કરવા 70 કરોડની મંજૂરી

ગુજરાત
ગુજરાત

ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈસ્ટિટ્યુટમાં સાયક્લોટ્રોન પ્રોજેક્ટ શરૂ કરવા માટે રાજ્ય સરકારે 70 કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો સૈદ્ધાંતિક નિર્ણય કર્યો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં મળેલી આરોગ્ય વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં આ નિર્ણય ઉપરાંત આરોગ્ય સેવાઓના સંદર્ભમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા.આ સાયક્લોટ્રોન પ્રોજેક્ટ અંતર્ગત રેડિયો એક્ટિવ પદાર્થનું ઉત્પાદન કરવામાં આવશે અને તેનો ઉપયોગ યુટિલિટી બિલ્ડિંગની અંદર કેન્સરના રોગના નિદાન તેમજ સારવાર માટે થઈ શકશે.

ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ ખાતે આ પ્રોજેક્ટ શરૂ થવાથી વધુ પ્રમાણમાં ઉત્પાદન ક્ષમતા સાથે જ્યારે જોઈએ ત્યારે રેડિયો એક્ટિવ પદાર્થ મળી શકશે. એટલું જ નહીં, દર્દી-દીઠ તપાસમાં પણ ઓછો ખર્ચ આવશે. આ સાયક્લોટ્રોન પ્રોજેક્ટ અને તેની સુસંગત વ્યવસ્થા માટે 1000 સ્ક્વેર મીટર જગ્યાની જરૂરિયાત સાયક્લોટ્રોન બંકર બનાવવા તથા બેઝમેન્ટ સહિત પાંચ માળના યુટિલિટી બિલ્ડિંગ નિર્માણ માટે 1000 સ્ક્વેર મીટર જગ્યાની જરૂરિયાત રહેશે.મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ સમગ્ર પ્રોજેક્ટનું પ્રેઝન્ટેન્શન આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે કર્યુ હતું.આ સાયક્લોટ્રોન ફોર ન્યુક્લિયર મેડિસીનનો પ્રોજેક્ટ અંદાજે બે વર્ષની અવધિમાં પૂર્ણ થશે.

બેઠકમાં આ અંગેની વધુ વિગતો આપતાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે કહ્યું કે, હાલની સ્થિતિએ ઈન્સ્ટિટ્યુટમાં ન્યુક્લિયર મેડીસીન વિભાગનું પોતાનું સાયક્લોટ્રોન ના હોવાને કારણે વર્ષે દિવસે લગભગ ૪ હજાર જેટલા દર્દીઓને જ લાભ મળે છે. તેમણે ઉમેર્યુ કે, કેટલાક મોલેક્યુલસ એવા હોય છે જેની half life થોડી જ મિનીટો માટે હોય છે. આવી કોઇ પણ તપાસ અત્યારે આ ઇન્સ્ટીટ્યુટમાં શકય નથી પરંતુ સાયકલોટ્રોન પ્રોજેક્ટ અન્વયે મશીન ઉપલબ્ધ થવાથી કોઇ પણ તપાસ જ્યારે પણ કરવાની હશે ત્યારે કરી શકાશે. આ નવો પ્રોજેક્ટ શરૂ થવાથી ભવિષ્યમાં હાલની સ્થિતીના ચાર ગણા એટલે કે વર્ષે 16 હજાર જેટલા દર્દીઓને તપાસ અને સારવારનો લાભ આપી શકાશે.

આ ઉપરાંત ભવિષ્યમાં જી.સી.આર.આઈ.ની અન્ય હોસ્પિટલો કે સેન્ટર્સ એવા સિદ્ધપુર, રાજકોટ અને ભાવનગરને પણ મટિરિયલ સપ્લાય થઈ શકશે.આ ઉચ્ચસ્તરીય બેઠકમાં અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ખોડિયાર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવાનો પણ લેવાયો છે. પ્રવર્તમાન સ્થિતિએ કાસિન્દ્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ ખોડિયાર પેટા આરોગ્ય કેન્દ્રનો સમાવેશ થયેલો છે. આ ખોડિયાર પેટા આરોગ્ય કેન્દ્રથી ખોડિયાર, લપકામણ અને લીલાપુર એમ ત્રણ ગામોની ૮૬૦૩ જનસંખ્યાને આરોગ્ય સેવા સારવાર મળે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ત્રણ ગામોની ગ્રામીણ વસતીને વધુ સુદ્રઢ આરોગ્ય સેવા-સુવિધા નજીકના સ્થળેથી મળી રહે તે હેતુસર 1 કરોડ 60 લાખ રૂપિયાની ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ સાથે ખોડિયાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવાની મંજૂરી આ બેઠકમાં આપી હતી.આ ઉપરાંત જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ સોલા હોસ્પિટલને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ પૂરી પાડતી મોડેલ હોસ્પિટલ બનાવવા 40 કરોડ રૂપિયાની જે ફાળવણી કરવામાં આવેલી છે, તે સંદર્ભમાં રેડિયોલોજી, એનેસ્થેસિયા, મેડિસીન, જનરલ સર્જરી, ગાયનેક, બાળરોગ, આંખોના રોગ સહિતના વિભાગોની ઉત્કૃષ્ટ કામગીરી માટે ખરીદવામાં આવેલા સાધનોની વિસ્તૃત વિગતો પણ બેઠકમાં આપવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.