ગાંધીનગર જિલ્લાની ૬૭ શાળા અને ૩૧ આંગણવાડીમાંથી મચ્છરોના લીધે ડેન્ગ્યુનો ભય
વારંવાર વરસાદી ઝાપટાં અને ત્યાર બાદ ઉનાળા જેવો તડકો પડવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ ફરી વધ્યો છે ત્યારે આગામી દિવસોમાં મેલેરિયા, ડેન્ગ્યુ તથા ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય બિમારીના દર્દીઓ વધવાની પુરેપુરી શક્યતા છે જેના પગલે ઉચ્ચકક્ષાએથી મળેલી સુચનાને ધ્યાને રાખીને ગાંધીનગર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સર્વેલન્સની ડ્રાઇવ ચલાવી છે. ત્રણ દિવસમાં ૮૨૪ ટીમો દ્વારા કુલ ૧.૪૦ લાખ ઘરોનો સર્વે કરાયો છે.
જે પૈકી ત્રણ હજાર ઘરો તથા સંસ્થામાં પોરા મળી આવ્યા છે. વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામુહિક આરોગ્ય કેન્દ્રોના વિસ્તારમાં સઘન સર્વેલન્સ આગામી તા.૧૫મી ઓક્ટોબર સુધી ડ્રાઇવ સ્વરૃપે કરવાનું છે.જેના ભાગરૃપે અત્યાર સુધીમાં ૮૨૪ ટીમો દ્વારા કુલ ૨.૩૪ લાખ ઘરો પૈકી આ ત્રણ દિવસમાં કુલ ૧.૪૦ લાખ ઘરો અને કુલ પાત્રો ૩.૪૯ લાખ તપાસવામાં આવ્યા છે. તે પૈકી સર્વેલન્સની ટીમોને ૨,૭૦૯ ઘરો અને ૩,૦૦૩ પાત્રોમાં મચ્છરોના પોરા મળી આવ્યા હતા, જે પાત્રોનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો હતો.
આ ડ્રાઇવ દરમ્યાન ૯ હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રો, ૬૭ શૈક્ષણિક સંસ્થાઓ, ૩૧ આંગણવાડી, ૧૦ પંચાયતઘર, ૮ ડેરી, બેંક-પોસ્ટઓફિસ સહિતની સાત જગ્યાઓએ પોરા મળી આવ્યા હતા જેનો નાશ કરીને સંબંધિતોને મચ્છરો ઉત્પન્ન ન થાય તે માટે પાણી ન ભરાઇ રહે તેની કાળજી લેવા માટે માર્ગદર્શન-શિક્ષણ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ૯૫ દુકાન-કોમર્શિયલ સાઇટ, ૪૩ ટાયર પંક્ચરની દુકાન, ૨૧ ભંગારની દુકાન, ૩૮ ઠંડા પીણાના પર્લર, સહિતની જગ્યાએ મચ્છરોના પોરા મળી આવ્યા હતા. જેથી તેનો પણ નાશ કરીને જ્યાં વધુ મચ્છરોના પોરા મળ્યા હતા તેવી ૧૧ સ્થળના સંચાલકો-માલિકને નોટિસ પણ મેલેરિયા તંત્ર દ્વારા આપવામાં આવી છે. આગામી દિવસોમાં ડ્રાઇવ અંતર્ગત સરકારી-સહકારી સંસ્થાઓ, ઔદ્યોગિક એકમો સહિત સંવેદનશીલ વિસ્તારોમાં પણ ચેકીંગ કરાશે.
Tags anganwadis dengue Gandhinagar