ઉકાઈ ડેમનાં 6 ગેટ 4 ફુટ ખોલી 42,996 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું
અવિરત વરસાદના કારણે ઉપરવાસમાંથી પાણીની વિપૂલમાત્રામાં આવક થતા, તાપી જિલ્લામાં આવેલા ઉકાઈ ડેમના છ દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના છ દરવાજા ખોલવામાં આવતા, હેઠવાસના ગામને એલર્ટ કરાયા છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પડેલા સારા વરસાદને પગલે, ઉકાઈ જળાશયમાં 60,517 ક્યુસેક જેટલી વિપૂલમાત્રામાં પાણીની આવક થઈ રહી છે. જેના કારણે, સિંચાઈ વિભાગને, ઉકાઈના છ દરવાજા ચાર ફુટ સુધી ખોલીને, 42,996 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી થઈ રહેલ પાણીની આવકને પગલે, ડેમની જળ સપાટી રુલ લેવલની નજીક પહોંચી ગઈ છે. ઉકાઈ ડેમમાં 60,517 ક્યુસેક પાણીની આવક થતા, ડેમની જળસપાટી 334.90 ફૂટ પર પહોંચી ગઈ છે. ઉકાઈ ડેમનુ રૂલ લેવલ 335 ફૂટ, જ્યારે ડેમની ભયજનક જળ સપાટી 345 ફૂટની છે.
ઉકાઈ ડેમની જળ સપાટી રૂલ લેવલ નજીક પહોંચતા ડેમનું રૂલ લેવલ મેઇન્ટેન કરવા માટે, સિંચાઈ વિભાગના પરામર્શમાં રહીને ડેમના અધિકારી દ્વારા હાઈડ્રો, કેનાલ અને ડેમનાં ગેટ ખોલી કુલ 60,483 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ડેમના હાઇડ્રો પાવર સ્ટેશન મારફતે 16,887 ક્યુસેક અને કેનાલ દ્વારા 600 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આજે રવિવારે સવારે 10 કલાકે ઉકાઈ ડેમનાં 6 ગેટ 4 ફુટ ખોલી 42,996 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું છે. ઉકાઈ ડેમમાંથી કુલ 60,483 ક્યુસેક પાણી છોડવામાં આવતા, તાપી નદીની આસપાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે સાથેજ તંત્ર દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે.