
રાજકોટમાં મિનરલના નામે ભળતું પાણી વેચતા બે ઉત્પાદકોને 23 લાખનો દંડ
રાજકોટમાં મહાનગરપાલિકાએ થોડા દિવસ પહેલા શહેરમાં વેચવામાં આવતા મિનરલ વોટરનું ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ હાથ ધરી નમૂના લેવામાં આવ્યા હતા અને ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલાયા હતા. જેમાં હલકી ગુણવત્તાનું પાણી વેચાતું હોવાનું સામે આવતા મનપાએ આકરી કાર્યવાહી હાથ ધરી છે. મનપાએ બીસવીન બેવરેજીસને 15 લાખનો જ્યારે મેક્સ બેવરેજીસને 8 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
રાજકોટ મનપા દ્વારા લેવામાં આવેલા નમૂનામાં એરોબિક માઇક્રોબાઇલ કાઉન્ટ વધુ આવ્યા હોવાનું સામે આવ્યું છે. યીસ્ટ અને મોલ્ડ કાઉન્ટ લેબોરેટરી દ્વારા કરવામાં આવેલી તપાસમાં આ બહાર આવ્યું છે. ખોડિયાર પ્રોવિઝન સ્ટોરામાંથી દિવેલના ઘીમાં ભેળસેળ બહાર આવતા વેપારીને 5 હજારનો દંડ ફટકારાયો છે.
રાજકોટ મહાનગરપાલિકાએ મિનરલ વોટર બનાવતી બે જેટલી કંપનીઓને લાખો રૂપિયાનો દંડ ફટાકરવામાં આવ્યો છે. સમગ્ર મામલે રાજકોટ મનપાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, મિનરલ વોટરમાં એરોબિક માઇક્રોબાઇલ કાઉન્ટ વધારે ન હોવા જોઇએ. મિનરલ વોટરમાં જો એરોબિક માઇક્રોબાઇલ કાઉન્ટ વધારે હોવાથી પેટ સંબંધિત રોગ થઇ શકે છે.
આંતરડાના રોગ પણ થઈ શકે તેમ છે. તેમજ ઝાડા ઉલટી જેવી બીમારી પણ થઈ શકે છે. પાણીની બોટલમાં એરોબિક બેક્ટેરિયાની હાજરી 37° તાપમાનમાં મેન્યુફેક્ચરિંગના પ્રથમ 24 કલાકમાં પ્રતિ એમએલ 20 કાઉન્ટ જ હોવા જોઈએ. પરંતુ મહાનગરપાલિકાએ જે કંપનીઓને દંડ ફટકાર્યો છે તેમની પ્રોડક્ટમાં 20 કાઉન્ટની જગ્યાએ 6200 કાઉન્ટ જોવા મળ્યા હતા. 20થી 22 ડિગ્રી તાપમાનમાં મેન્યુફેક્ચરિંગના 72 કલાક સુધીમાં 100 જેટલા કાઉન્ટ હોવા જોઈએ. જેની સામે 11200 જેટલા કાઉન્ટ જોવા મળ્યા હતા.