
સૌરાષ્ટ્રના ભાણવડમાં 2 અને પોરબંદરમાં 1 ઈંચ, જસદણ અને ગોંડલમાં ધોધમાર, લાઠીમાં ધીમી ધારે વરસાદ
સૌરાષ્ટ્રમાં આજે રવિવારે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે ભાણવડમાં આજે સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. બે કલાકમાં બે ઈંચ વરસાદથી રસ્તા પર પાણી ભરાયા હતા. પોરબંદરમાં પણ સવારે બે કલાકમાં એક ઇંચ વરસાદ પડતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી. જુનાગઢમાં 10 MM, રાણાવાવમાં 6 MM અને ગીરસોમનાથમાં 4 MM વરસાદ નોંધાયો છે. સારા વરસાદથી કપાસ અને મગફળીના પાકને ફાયદો થતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. લાઠીમાં ધીમી ધારે તો ગોંડલમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી રસ્તા પર પાણી ભરાયા છે. જસદણમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યાં છે.
બપોર બાદ અમરેલી જિલ્લામાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ જામ્યો છે. લાઠી પંથકમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. પવન સાથે ધીમી ધારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
ભાણવડમાં ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો બહાર પાણી નીકળી જતા જમીનના તળ ઊંચા આવશે તેવી આશા ખેડૂતોએ વ્યક્ત કરી છે સૌરાષ્ટ્રમાં ચાલુ સિઝનમાં 67% વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં 100%થી વધુ વરસાદ પડ્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકામાં 155%, પોરબંદરમાં 106.91% અને જામનગરમાં 101% વરસાદ નોંધાયો છે.