બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે ગુજરાતના વેપારીઓને ૧૨૦૦ કરોડ રુપિયા ફસાયા
છેલ્લા લાંબા સમયથી બાંગ્લાદેશમાં ચાલી રહેલા હિંસક પ્રવુતિઓને કારણે ગુજરાતના ઉદ્યોગ પર મોટી અને સીધી અસર થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ વિરોધના કારણે બાંગ્લાદેશમાં ગુજરાતી વેપારીઓના લગભગ 1200 કરોડ રૂપિયા ફસાયા છે. બાંગલાદેશમાં જે પ્રદર્શન થઈ રહ્યું છે, આ પ્રદર્શન દરમિયાન બંને દેશો વચ્ચેનો વેપાર ઠપ્પ થઈ ગયો છે. આ સમગ્ર સ્થિતિ વચ્ચે હવે માહિતી એવી સામે આવી છે કે ગુજરાતના વેપારીઓના કરોડો રૂપિયા બાંગલાદેશમાં ફસાયા છે. મહત્વનું છે કે, રિએક્ટિવ ડાઈઝ, હેન્ડલૂમ પ્રોડક્ટ્સ, કેમિકલ્સ, પિગમેન્ટ પેસ્ટ, દવાઓ, API અને ટાઈલ્સનો વેપાર ગુજરાતથી બાંગ્લાદેશમાં થાય છે.
ત્યારે શેખ હસીનાના રાજીનામાં બાદ કેટલી બેંકોને લઈને પણ લોકોની ચિંતામાં વધારો થયો છે. એક મીડિયા અહેવાલ મુજબ વાત કરવામાં આવે તો, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના જણાવ્યા મુજબ ગયા વર્ષે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 14 અબજ ડોલરનો વેપાર થયો હતો. જેમાં ભારત દ્વારા 12.2 અબજ ડોલરની નિકાસ કરવામાં આવી હતી. 1.8 અબજ ડોલરની આયાત થઈ હતી. પરંતુ આ વર્ષે બાંગ્લાદેશમાં ચાલી રહેલી અશાંતિએ હવે તેને ગ્રહણ લગાડ્યુ છે.
ઢાકાથી સલીમ રજાએ માહિતી આપી હતી કે બાંગ્લાદેશ અને ભારત વચ્ચેનો વેપાર થોડા દિવસોના સસ્પેન્શન બાદ ફરી શરૂ થયો છે. પશ્ચિમ બંગાળના પેટ્રાપોલ અને બાંગ્લાદેશના બેનાપોલના લેન્ડ પોર્ટ દ્વારા કડક સુરક્ષા વચ્ચે શનિવારે (10 ઓગસ્ટ) સવારે વ્યવહાર શરૂ થયો હતો. 5 ઓગસ્ટના રોજ બાંગ્લાદેશના વડાપ્રધાને રાજીનામું આપી દીધું હતું અને આને ધ્યાનમાં રાખીને બંને દેશો વચ્ચેનો વેપાર સ્થગિત કરી દેવામાં આવ્યો હતો. જો કે, ગઈકાલે, બાંગ્લાદેશ-ભારત સરહદ પરના કેટલાક લેન્ડ પોર્ટ દ્વારા વ્યાપારી વ્યવહાર આંશિક રીતે ફરી શરૂ થયો હતો. બાંગ્લાદેશ દક્ષિણ એશિયામાં ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર છે અને ભારત એશિયામાં બાંગ્લાદેશનું બીજું સૌથી મોટું વેપારી ભાગીદાર છે.
બાંગ્લાદેશમાં ભારતની નિકાસ 2022-23માં 12.21 અબજ ડોલર હતી. નાણાકીય વર્ષ 2023-24માં તે ઘટીને $11 બિલિયન થઈ ગયું છે. બાંગ્લાદેશમાં ભારતની મુખ્ય નિકાસ શાકભાજી, કોફી, ચા, મસાલા, ખાંડ, કન્ફેક્શનરી, રિફાઈન્ડ પેટ્રોલિયમ, રસાયણો, કપાસ, લોખંડ, સ્ટીલ અને વાહનો છે. તેનાથી વિપરીત, ભારતમાં બાંગ્લાદેશની નિકાસ કેટલીક શ્રેણીઓમાં કેન્દ્રિત છે, જેમાં 56 ટકા શિપમેન્ટ ટેક્સટાઈલ અને એપેરલ પ્રોડક્ટ્સ છે.